Photos : આહીર સમાજની રથયાત્રાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, 1198 ફોર વ્હીલર-3811 બાઇક સાથે 310 કિમીની સફર ખેડી
દ્વારકા ખાતે સમસ્ત આહીર સમાજ દ્વારા ત્રિદિવસીય ભાલકેશ્વર મહોત્સવ આયોજિત કરાયો હતો. જેમાં સમસ્ત ગુજરાતના આહીર સમાજના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકાથી ભાલકા તીર્થ સુધી આહીર સમાજ આયોજીત ધર્મધ્વજ અને સુવર્ણશિખર રથયાત્રામાં અસંખ્ય મોટરકાર અને મોટરસાયકલ સાથે હજારો લોકો જોડાયા હતા. રથયાત્રાને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું.
ઉલ્લેનનીય છે કે, પ્રભાસતીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ લીલાના સ્થાન એવા ભાલકા તીર્થનું 12 કરોડના ખર્ચે નૂતન મંદિરનું નિર્માણ કરાયું છે. નૂતન મંદિર પર પ્રથમ ધ્વજારોહણ આહીર સમુદાય દ્વારા કરાયું હતું. નૂતન મંદિર પર આહીર સમુદાય દ્વારા અંદાજે 82 કિલોનો કલાત્મક સુવર્ણ કળશ ચઢાવવામાં આવનાર છે.
ધ્વજા શોભાયાત્રા સાથે નીકળી દ્વારકા જિલ્લાના ભોગાત-લાંબા -દેવળીયા- સણોસરી-ટંકારીયા રાજપરા ભાડથર ભાણવડથી જામજોધપુર થઈ સીદસર થઈ ઉપલેટા નાઈટ હોલ્ટ કરી જૂનાગઢ કેશોદ વેરાવળ અને અંતે ભાલકા તીર્થ ખાતે પહોંચી હતી. આજે રવિવારે ભાલકાતીર્થ ખાતે સત્ય નારાયણ કથા, મહાપ્રસાદ, ધ્વજા આરોહણ, સુવર્ણ શીખરાર્પણ તેમજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે.