કૃષિ વિભાગની ગુજરાતીઓને મોટી ચેતવણી, શાકભાજી ખાતા પહેલાં આ વાતનું રાખજો ખાસ ધ્યાન
Vegetables: ધોયા વિના શાકભાજી નહીં વાપરવાની સલાહ રાજ્યના કૃષિ વિભાગે આપી છે. સાથે જ એ પણ ચેતવણી આપી છેકે, બજારમાં મળતા શાકભાજીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હોય છે. તેથી તેને ધોયા વિના ખાવી અનેક ગંભીર બીમારીઓને નોતરું આપવા સમાન છે.
શાકભાજી પર જંતુનાશક દવાઓનો જે છંટકાવ કરવામાં આવે છે તે ઝડપથી દૂર થતો નથી. તેથી આવી શાકભાજીને એકદમ સ્વચ્છ પાણીમાં સારી રીતે ધોવા જોઈએ. શક્ય હોય તો તે શાકભાજીને ગરમ પાણીમાં થોડા જોઈએ. જેથી જંતુનાશક દવાઓ તેના પરથી દૂર થઈ જાય. કારણકે, આ દવા તમારા પેટમાં જવાથી મોટી સમસ્યા નોતરી શકે છે.
રાજ્યના ખેડૂતોને પણ ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેત પેદાશની કાપણી કરીને ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે ત્યાં સુધી તેમાં જંતુનાશકો રહેતા હોય છે. આ અવશેષોને નિવારવા માટે જાહેર કરાયેલા નિયંત્રણ પગલાંમાં જણાવ્યું છે કે જંતુનાશકોની વિઘટન પ્રક્રિયા ધીમી હોવાથી લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહે છે અથવા તો ચરબીમાં દ્વાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતિકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે.
પાક સંરક્ષણ રસાયણોની નોંધણી માટેની સંસ્થા અથવા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી પાક, શાકભાજી, ફળો અને મસાલા પાકમાં દવાના વપરાશ અંગે કેટલાક નિયંત્રણો મૂકી મહત્વની ભલામણ કરવામાં આવેલી છે. શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ, કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી તેમાં રહેલા જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે.
જ્યારે શાકભાજી, ફળ-ફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણની મહત્તમ અવશેષ માત્રા (MRL) કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈજેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા નક્કી કરવામાં આવી છે. અવશેષોની માત્રા MRL કરતા વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થાય છે. શક્ય હોય તો એમામેક્ટિન બન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યૂરોન જેવી ઝડપથી વિઘટન પામતા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ. સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો વપરાશ ઘટશે, જેથી જંતુનાશકોના અવશેષને હળવા કરી શકાય છે.
આ ઉપરાંત ઘરમાં મચ્છર, માખી, વંદા, ઊંધઈ, ઉંદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વેળા યોગ્ય કાળજી લેવામાં નહીં આવે તો જંતુનાશકો અનાજ, પાણી, લોટ વગેરેમાં ભળી જાય છે, અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે છે, જેના કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે.
ઘરમાં જીવાતોનું નિયંત્રણ કરતી વખતે જંતુનાશકો છાંટ્યા પહેલાં પાણીના વાસણો, અનાજના પીપ, અનાજની ગુણો વગેરે કાપડ અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવા જોઈએ. અનાજમાં ભેજ હોય તો તેને સૂર્ય પ્રકાશમાં સૂકવ્યા પછી જ તેનો ઉપયોગ કરવો અને અનાજના સંગ્રહ માટે હવાચુસ્ત પીપનો ઉપયોગ કરવો.