આયેશા કેસમાં દર્દનાક શબ્દો સાથે પિતાએ કહ્યું; જેલમાંથી બહાર આવતા જ આરિફે લખ્યું `ટાઈગર ઈઝ બેક`
અતુલ સુભાષ આત્મહત્યા કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. તે દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આયેશાને પણ યાદ કરી રહ્યા છે, જેણે 2021માં અમદાવાદમાં સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આયશાએ પતિ આરિફના કારણે આત્મહત્યા કરી હતી. આયેશાના પિતા લિયાકત અલીએ આ ઘટનાને આજે પણ યાદ કરીને ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેમને સેશન્સ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે, પરંતુ આરિફને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ પિતા-પુત્રીને હજુ ન્યાય મળ્યો નથી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં આયાશાના લગ્ન રાજસ્થાનના જાલોરના રહેવાસી આરિફ ખાન સાથે થયા હતા. બન્ને જણાં એ લવ મેરેજ કર્યા હતા, પરંતુ લગ્નના થોડાક જ દિવસ પછી આયશાને આરિફ દ્વારા દહેજ માટે હેરાન કરવામાં આવતી હતી. લગ્નના 6 મહિના બાદથી આરિફે આયશાને અમદાવાદના વટવામાં રહેતા તેના પિતા લિયાકત અલી પાસે છોડી દીધી હતી. આરિફ પોતાની પત્ની આયશાને છોડીને બીજા લગ્ન કરવા માંગતો હતો.
આયશા પોતાના પતિ આરિફને ખુબ પ્રેમ કરતી હતી. તે આરિફને વારંવાર સમજાવતી હતી, પરંતુ આયશાની દરેક કોશિશ અસફળ સાબિત થઈ. 25 ફેબ્રુઆરી 2021ના દિવસે આયશાએ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. તેના પહેલા આયશાએ પોતાના પતિ સાથે વાતચીત કરી. આરિફે પણ આયશાને ફોન પર સારી-ખરાબ વાતો કહ્યા બાદ કહ્યું કે જો તું આત્મહત્યા કરે તો તેનો વિડીયો બનાવીને મને જરૂરથી શેર કરજે.
આયશાને આ વાતથી ખુબ તકલીફ થઈ અને આયશાએ એક વીડિયો બનાવીને આરિફને મોકલ્યો. ત્યારબાદ પોતાના પિતા લિયાકત અલી સાથે ફોન પર વાત કરીને આત્મહત્યા કરી લીધી. આયશા તરફથી આરિફને મોકલવામાં આવેલો વીડિયો અને પિતા સાથે થયેલી વાતચીત સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.
આયેશાની આત્મહત્યા બાદ અમદાવાદ પોલીસે આરીફ વિરુદ્ધ FIR નોંધી હતી અને રાજસ્થાનના જાલોરથી આરીફની ધરપકડ કરી હતી. આ પછી કેસ ચાલતો રહ્યો અને સેશન્સ કોર્ટે વર્ષ 2022માં આરિફને 10 વર્ષની જેલની સજા ફટકારી. થોડા મહિના પછી આરીફે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી અને તેને જામીન મળી ગયા. આયેશાના પિતાએ કહ્યું, 'આ કેવો ન્યાય છે, મારી પુત્રી આયેશાના આત્મહત્યાના કેસમાં હજુ ન્યાય અધૂરો છે.'
આયશાના પિતા લિયાકત અલીએ જણાવ્યું કે, આયશા અમદાવાદમાં એમએનો અભ્યાસ કરી રહી હતી. તેણે પીએચડી કરવું હતું. તેણે 1 મહિના પહેલા જ નોકરી શરૂ કરી હતી. એક દિવસ અચાનક મને આયશાનો કોલ આવ્યો અને કહ્યું કે આજે આરિફ સાથે વાત થઈ તો તમારી સાથે વાત કરવાનું મન થયું. આયશાને ત્યારે મે કહ્યું હતું કે તું એનો સ્વભાવ જાણે છે તો કેમ તેણે કોલ કર્યો. મે આયશાને પુછ્યું કે શું વાતચીત થઈ? આયશાએ મને વાતચીતનો રેકોર્ડિંગ વોટ્સએપ પર મોકલવા કહ્યું હતું. ત્યારબાદ મેં આયશાને ઘર આવવા માટે કહ્યું પણ તે થોડાક સમય પછી ના આવી તો મે તેની મમ્મીને ફરીથી વાત કરી. આયશા એ આરિફને બીજા લગ્ન કરવાની વાત જણાવી હતી.
તેમણે કહ્યું, 'આયેશા ખૂબ જ મજબૂત છોકરી હતી. આયેશાએ આરિફ સાથે વાત કરી અને કહ્યું કે તે તેની સામે 498 હેઠળ નોંધાયેલ કેસ પાછો ખેંચી લેશે. આયેશાએ આરિફની માફી પણ માંગી હતી અને પોતાને સ્વીકારવાની વાત કરી હતી. તેણીએ કહ્યું કે જો આરીફ તેને સ્વીકારશે નહીં તો તે આત્મહત્યા કરી લેશે. આરીફે આયેશાને કહ્યું કે જો તું આત્મહત્યા કરી લે તો વીડિયો બનાવીને મોકલી દે. આરિફના આ શબ્દો આયેશાના દિલને સ્પર્શી ગયા અને આયેશાએ વીડિયો બનાવીને આરિફને મોકલ્યો અને પછી મને ફોન કર્યો. પછી મેં આયેશાને આત્મહત્યા ન કરવા માટે સમજાવવાની કોશિશ કરી અને તેને કસમ અપાવ્યા, પરંતુ આયેશાએ તે કર્યું જે તેણે ન કરવું જોઈતું હતું.
આયેશાના પિતા લિયાકત અલીએ કહ્યું કે, 'આયેશાની આત્મહત્યા બાદ ગુજરાત સરકારમાં તે વખતે ગૃહ રાજ્યમંત્રી રહેલા પ્રદીપસિંહ જાડેજાએ અમારી મદદ કરી હતી. અમને સરકારી વકીલ આપવામાં આવ્યા. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 11 મહિના સુધી કેસ ચાલ્યો. 100 લોકોએ જુબાની આપી અને આરીફને 1 લાખ રૂપિયાના દંડ સાથે 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. પરંતુ થોડા દિવસો પછી આરીફને જામીન મળી ગયા. તે ઘરે પહોંચે તે પહેલા તેણે 'ટાઈગર ઈઝ બેક' લખીને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. દોઢ વર્ષ જેલમાં રહ્યા પછી પણ આરીફને પોતાના કૃત્યનો કોઈ પસ્તાવો નહોતો.