દિલ્હી નહીં અમદાવાદનું વાતાવરણ પણ બગડ્યું, આ લોકો તો શ્વાસમાં લઈ રહ્યાં છે ઝેર
નવેમ્બરમાં, 5 તારીખના રોજ શહેરના રખિયાલમાં AQI 300ને વટાવી ગયો હતો, જ્યારે નવરંગપુરામાં AQI 267 આસપાસ નોંધાયો હતો. જ્યારે 6 તારીખે ઉસ્માનપુરામાં AQI 217, સોનીની ચાલમાં 247, સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ પાસે 291, શાહીબાગમાં 233, રખિયાલમાં 246 અને ગ્યાસપુરમાં 220 AQI રહ્યો છે. આમ આ આંક અનહેલ્ધી કેટેગરીમાં આવે છે. હાલમાં દિવાળી સમયે અમદાવાદની સ્થિતિ જોઈએ તો આ હવા રહેવા યોગ્ય નથી.
દિવાળી પહેલા દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈની હાલત પ્રદૂષણના કારણે ખરાબ છે ત્યારે ગુજરાતમાં અમદાવાદનું વાતાવરણ સૌથી ખરાબ છે. AQI.in વેબસાઈટ અનુસાર વાપસી, અમદાવાદ, સુરત અને અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ખરાબ સ્થિતિમાં છે. અમદાવાદને ગુજરાતના મુંબઈનો દરજ્જો છે. ગુજરાતના આ સૌથી મોટા શહેરના રખિયાલ વિસ્તારમાં AQI 300ને પાર કરી ગયો છે. આગામી દિવસોમાં હવાની ગુણવત્તા વધુ બગડી શકે તેવો અંદાજ છે. 4 નવેમ્બરની સરખામણીએ આજે પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ સપ્તાહની શરૂઆતમાં હવાની ગુણવત્તા સૂચકાંક બગડવાની શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે જેમની શારીરિક હાલત ખરાબ હોય એમને શ્વાસ લેવામાં સમસ્યા આવી શકે છે. હાલના આંક દિવાળી નજીક આવતાં વધારે ખરાબ થતા જશે. જેમને હાર્ટને લગતી સમસ્યા હોય એમને સાચવવાની જરૂર છે.
અમદાવાદમાં દિવાળી જેમ નજીક આવી રહી છે તેમ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. શહેરમાં રહેવા કરતાં ઝહેરવાળી હવામાં રહેતા હોય તેવો અહેસાસ થાય છે. બોડકદેવ, ચાંદખેડા, સીપીનગર, ગુમા કઠવાડા, મણીનગર, રામદેવનગર, બોપલ, હાંસોલ અને વસંતનગર ગોતામાં પ્રદૂષણની સ્થિતિ પૂઅર છે. આમ આ વિસ્તારમાં લોકો હવા નહીં શ્વાસ મારફતે ઝેર લઈ રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર, 5 નવેમ્બરના રોજ જો કે AQI 100 થી વધુ ખરાબ માનવામાં આવે છે, અમદાવાદમાં સરેરાશ AQI 140 છે. નવરંગપુરા અને રખિયાલમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક છે. AQI નવરંગપુરામાં 263 અને રખિયાલમાં 300ને પાર કરી ગયો છે. 4 નવેમ્બરે નવરંગપુરા વિસ્તારમાં AQI 256 નોંધવામાં આવ્યો હતો. રખિયાલ વિસ્તારમાં પણ 271નો AQI નોંધાયો હતો જ્યારે અમદાવાદ શહેરનો સરેરાશ AQI 142 નોંધાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર AQI 131 ની નજીક રહ્યો. આ મોડરેટ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.
વેબસાઇટે તેના મૂલ્યાંકનમાં જણાવ્યું છે કે PM 2.5 ની માત્રા 54 છે, જ્યારે પ્રદૂષકોમાં PM 10 ની માત્રા 113 છે. આ સિવાય હવામાં કાર્બન મોનોક્સાઇડની હાજરી 423 અને સલ્ફર ડાયોક્સાઇડની હાજરી 2 છે. શહેરનો AQI પુઅર વર્ગમાં રાખવામાં આવ્યો છે. દિવાળી નજીક આવતા અમદાવાદમાં પ્રદૂષણ વધી શકે છે. હવે ધીરેધીરે શહેરોમાં ફટાકડા અંગે સૂચનાઓ બહાર આવી છે. ત્યાંની પોલીસે ફટાકડા ફોડવા માટે માત્ર બે કલાકની સમય મર્યાદા નક્કી કરી છે.