અમદાવાદ ફ્લાવર શોનો આજથી પ્રારંભ : જાણો શું છે ટિકિટનો રેટ અને કેવી રીતે મળશે ટિકિટ
AMC દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર 10 માં ફલાવર શોનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફ્લાવર શોનો શુભારંભ કર્યો છે. આ પ્રસંગે amc ના હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ ઉપર તૈયાર કરાયા ફૂલોથી સ્કલ્પ્ચર બનાવવામાં આવ્યા છે. મીલેટ્સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મીલેટ્સ આઈટમ રાખવામાં આવી છે. 150 થી વધુ પ્રજાતિના 7 લાખથી વધુ રોપાની મજા માણી મુલાકાતીઓ માણી શકશે. જેમાં પીટૂનીયા, ડાયંથસ, સેવંતી, ગજેનિયા, બીગુનિયા, એસ્ટર, મેરીગોલ્ડ, કેક્ટસ, ઓર્ચિડ, લીલી, ગુલાબ સહિતની પ્રજાતિઓના છોડ જોવા મળશે.
આ વર્ષે નવા સંસદભવન, વડનગર તોરણ, ચંદ્રયાન, સરદાર પટેલ ઉપરાંત પશુ પક્ષીઓના ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર મુખ્ય આકર્ષણ બની રહેશે. ફલાવર શોમાં amc દ્વારા વિશ્વની સૌથી લાંબુ ફલાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. 400 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રક્ચર બનાવી રેકોર્ડ સર્જવાનું આયોજન કરાયું છે.
સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે રૂ.50 અને શનિ રવિ માટે રૂ.75 પ્રવેશ ફી રાખવામાં આવી છે. amc ના તમામ સિવિક સેન્ટર પરથી ટિકિટ મેળવી શકાશે. ફલાવર શો અંગેના ક્યુઆર કોડ થકી પણ ટિકિટ બુક કરાવી શકાશે. શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે, amts ની સેવા પણ આપવામાં આવશે.
મુલાકાતીઓ માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. 30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી મળી કુલ 17 દિવસ ફલાવર શો ચાલશે. સવારે 9 થી રાતના 10 સુધી પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. amc ના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શોમાં આ ફલાવર શો સૌથી વધુ દિવસોનો રહેશે. 17 દિવસ દરમ્યાન મળી 10 લાખથી વધુ લોકો મુલાકાત લે એવી સંભાવના છે.