નશામાં સ્ટંટ કરવા ગયેલા યુવકે પોતાને જ ગોળી મારી! અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ
અમદાવાદની વેજલપુરની વિભાવરી સોસાયટીમાં ફાયરિંગમાં એક યુવકનું મોત થયું છે. જોકે, આ યુવકે પોતે જ ફાયરિંગ કર્યુ હતું અને તેનો જ જીવ ગયો હતો. ફાયરિંગની ઘટનામાં દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત નામના 36 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. ગઈ કાલે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જેમાં બે જણા હથિયાર સાથે મજાક કરતા ફાયરિંગ થઇ ગયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકે નશાની હાલતમાં પોતાના પર જ ફાયરિંગ કરી દીધું હોવાનુ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
નશાની હાલતમાં સ્ટન્ટ કરવાના પ્રયત્નમાં એક યુવકને મોત મળ્યું છે. વેજલપુરની રૂપેશ સોસાયટીમાં આકસ્મિક ફાયરિંગમાં એક યુવકનું મોત નિપજ્યું છે. આ યુવકનું નામ દિગ્વિજયસિંહ રાજપુત ઉર્ફે ભોલો હતું. 36 વર્ષીય યુવકે નશાની હાલતમાં મજાકમાં પોતાના પર જ ગોળી ચલાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિગ્વિજયસિંહ રાજપૂત પોતાના ડ્રાઇવર અને મહિલા મિત્ર સાથે હતો. તે સમયે તેણે લાયસન્સ વાળા હથિયારથી મજાક કરી હતી. આ મજાકમાં તેના પર જ ફાયરિંગ થયુ હતું. દિગ્વિજયસિંહ અન્ય બે વ્યક્તિઓ સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો.
આ ઘટના દિગ્વિજયસિંહના પોતાની માલિકીના નિર્માણધીન બંગલામાં જ બની હતી. મૃતક જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલો હતો. તેણે નશાની હાલતમાં પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. લાયસન્સવાળી લોડેડ રિવોલ્વર તેણે પોતાના લમણે મૂકી ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ કરવાની મસ્તી કરતો હતો. બે રાઉન્ડ બાદ ત્રીજા રાઉન્ડનું ફાયરિંગ કરતા જ બુલેટ ફાયર થઈ હતી. ફાયરિંગ થતા જ યુવકનું ઘટનાસ્થળે મોત થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા જ acp કક્ષાના અધિકારીનો સ્થળે પહોંચી હતી. હાલ વેજલપુર પોલીસે fsl ની મદદ લઈ તપાસ શરૂ કરી છે.