પ્રાકૃતિક ખેતીના પ્રહરી બન્યા ગુજરાતના આ ખેડૂત, સામાન્ય ખેતીમાં પણ સોના જેવી આવક રળે છે

Mon, 10 Jun 2024-4:58 pm,

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામના ખેડૂત કાશીરામભાઈ વાઘેલા પ્રાકૃતિક ખેતીના પ્રહરી બન્યા છે. વર્ષ ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતી કરતા કાશીરામભાઈએ ડાંગરમાં રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન અને બમણો નફો મેળવવામાં સફળતા હાંસલ કરી છે. 

કાશીરામભાઈના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૨ સુધી તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. જેથી પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધુ હતું. બીજી તરફ ઉત્પાદન ખર્ચ વધુ આવતો અને જોઈએ તેવા ભાવ મળતા નહોતા. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીથી પ્રેરાઈને તેમણે ધીરે ધીરે જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતના આધારે પ્રાકૃતિક ખેતી અપનાવી. તેમણે પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ એક વીઘાથી શરૂ કરેલો અને આજે તેઓ ૨૦ વીઘા જમીન પર પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે.

ઉત્પાદન વિશે જણાવતા કાશીરામભાઈ કહે છે કે, તેઓ વર્ષમાં બે વખત ડાંગરની સીઝન લે છે. જેમાં દહેરાદૂન, ગુજરાતી સહિતની ૨૦થી વધુ વેરાયટીઝનું તેઓ વાવેતર કરતા હોય છે. માટી, ગોળ, ચણાનો લોટ તથા ગાય આધારિત તત્ત્વોનો ઉપયોગ કરી તેમણે જમીન ફળદ્રુપ બનાવી છે. આ ઉપરાંત કુદરતી પેસ્ટિસાઈડ તરીકે તેઓ પાક પર ગોળ અને ખાટી છાશના મિશ્રણનો છંટકાવ કરે છે. આ પદ્ધતિથી ખેતી કરવાથી જમીનમાં પાકમિત્ર કિટકોનું પ્રમાણ પણ સારું એવું વધ્યું છે. અને ડાંગરની સોડમમાં પણ વધારો થયો છે.  

કાશીરામભાઈના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે રાસાયણિક ખેતીથી ઉત્પાદિત થયેલા ડાંગરનો એક મણનો ભાવ ₹ ૨૫૦થી ૩૦૦ રહેતો હોય છે. જેની સામે પ્રાકૃતિક ખેતીથી પકવેલા ડાંગરનો ભાવ ₹ ૫૫૦ જેટલો મળે છે. સાથોસાથ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો આવતો હોવાથી બમણો નફો મળે છે. કાશીરામભાઈ ઉમેરે છે કે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવો ત્યારે શરૂઆતમાં ઉત્પાદન ઘટવાનો ડર રહે છે, પરંતુ ધીમે ધીમે ઉત્પાદન અને ગુણવત્તા બન્ને વધી જવાથી ખેતપેદાશનું મૂલ્યવર્ધન કરીને સારો એવો નફો મેળવી શકાય છે.

રાજ્ય સરકારના એકમ ‘એગ્રિકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી’ (આત્મા) સાથે જોડાઈને જમીનના જતનકાર એવા કાશીરામભાઈએ પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવીને બીજા અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે.  

આત્માની મદદથી પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ, તાલીમ અને પ્રયોગોને આધારે ખેતીમાં કાઠું કાઢનાર કાશીરામભાઈએ મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હિમાચલપ્રદેશ સહિતનાં રાજ્યોમાં યોજાયેલા સેમિનારમાં હાજરી આપીને પ્રાકૃતિક ખેતી વિષયક માર્ગદર્શન મેળવ્યું છે. પ્રાકૃતિક ખેતીમાં આવનવી તકનીકોની સફળ અમલવારી કરવા બદલ તેમને વર્ષ ૨૦૧૬માં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

આમ, પ્રાકૃતિક ખેતી વિષયક જાગૃતિને જ જીવનમંત્ર બનાવી કાશીરામભાઈ તેમના સંપર્કમાં આવનાર અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવી ચૂક્યા છે. હાલમાં તેઓ સાણંદ, બાવળા અને વિરમગામમાં કાર્યરત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના ૪૫૦થી વધુ સભ્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શન આપી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link