અમદાવાદમાં ચમત્કાર! નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા, 10 હજાર કેસમાંથી માત્ર 1 કેસ

Sat, 04 Jan 2025-3:45 pm,

EMT (ઈમરજન્સી મેડિસીન ટેકનિશીયન) યોગેન્દ્ર ગાંધીને એક ફોન એવો મળેલો હતો, જેમાં કોલર કહે છે કે દર્દી શ્રીમતિ જ્યોતિબેન ભરવાડ તીવ્ર પ્રસૂતિ પીડા અનુભવી રહી છે. બસ આ સંભાળતા જ ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પહોચી અને ત્યાં ડૉ. મુકેશે EMTને જાણ કરી કે બાળક બ્રીચ પ્રેઝન્ટેશન(સામાન્યપણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું ગર્ભાશયના મુખ મારફતે બહાર આવે પરંતુ જ્યારે પગ કે અન્ય ભાગ બહાર આવે તો બ્રીચ ડિલીવરી કહેવાય છે)માં છે. પ્રોટોકોલને અનુસરીને, EMT યોગેન્દ્રકુમારે ઓનલાઈન મેડિકલ ડિરેક્શન માટે ડૉ. કલ્પેશનો સંપર્ક કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ પાયલોટ અજીતસિંહ ગોહેલ સહિત ઇ.એમ.ટી એ માતાને કાળજીપૂર્વક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી હતી અને ટ્રીટમેન્ટ શરૂ કરી.

EMT યોગેન્દ્રકુમારે ઓન-રુટ જ માતાને IV (Intravenous ) લાઇન લગાવી અને ઓક્સિજન સ્ટાર્ટ કર્યુ. ડિલિવરીના બીજા ચિહ્નો માટે માતાની તપાસ કરી. સગર્ભાની તપાસ કરતા બાળકની નાળ ગળામાં વીંટળાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી ૧૦૮ની ટીમે સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં જોખમ રહેલું હોવાનું માલુમ પડતા એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની પ્રસુતિ કરાવવાનું નક્કી કર્યું. 

EMT એ બ્રીચ ડિલિવરી માટે જરૂરી તૈયારીઓ કરી, એમ્બ્યુલન્સના હેલોજન લેમ્પને બાળકને હૂંફ આપવા માટે ચાલુ કર્યો અને પાઇલટને વાહનને સલામત સ્થળે પાર્ક કરવાની સૂચના આપી હતી. આ બ્રીચ ડિલીવરી માં બર્ન્સ-માર્શલ (માથુ ડિલીવર કરાવવાની)ટેકનીકનો ઉપયોગ કરીને બાળકના માથા સુધી ડિલિવરી કરાવી હતી. ગળા અને તેની આસપાસ નાળ વિટળાયેલ હતી. તેમ છતાં EMTએ કુશળતાપૂર્વક નાળ દૂર કરી અને સફળતાપૂર્વક બાળકને જન્મ અપાવ્યો.

ડિલિવરી પછી, બાળક આખું ભૂરું હતું અને રડ્યું ન હતું. EMT એ તરત જ એર-વે નું સક્શન, બાળકને સાફ કર્યું, નાળને ક્લેમ્પ્ડ કરી, કાપી નાખી અને બાળકને હૂંફ માટે ધાબળામાં લપેટી દીધું. બાળકનો APGAR સ્કોર 0 હોવાથી,  EMTએ બેગ- વાલ્વ- માસ્ક વેન્ટિલેશન અને સીપીઆર આપવાનું શરૂ કર્યુ. સતત સીપીઆર પછી બાળકના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ ૮૦ સુધી પહોંચી ગયા. EMTએ ૦૬ મિનિટ સુધી BVM વેન્ટિલેશન ચાલુ રાખ્યું, જે દરમિયાન બાળકના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ ૧૨૦ પર સ્થિર થયા, અને શ્વાસન દર મિનિટ દીઠ ૨૬ શ્વાસોચ્છવાસ થયો. EMTની પોતાની આવડતથી અને ઈઆરસીપી તબીબની સલાહ મુજબ એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી અને મહિલાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. આમ, ૧૦૮ની ટીમે માતા અને બાળક બંનેનો જીવ બચાવતા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી હતી.

સતત સંભાળ અને દેખરેખ પૂરી પાડ્યા પછી, માતા અને બાળક બંનેને લગભગ ૨૦ કિમી દૂર એલજી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા. હેન્ડઓવર સમયે બંનેની હાલત સ્થિર હતી. એલજી હોસ્પિટલના પ્રાપ્ત ગાયનેકોલોજિસ્ટે કહ્યું કે, આ દુર્લભ કેસોમાંનો એક છે. કારણ કે આવી પરિસ્થિતિઓમાં બચી જવાનું 10 હજાર કેસમાંથી માત્ર 01 કેસમાં જોવા મળે છે. તેમણે 108 ટીમની તેમની અસાધારણ કાળજી અને સમયસર હસ્તક્ષેપ માટે પ્રશંસા કરી જેણે માતા અને બાળક બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી.

હાલમાં માતા અને બાળક બંને એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓ સુરક્ષિત અને ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. આ વિકટ પરિસ્થિતિના સંચાલનમાં ૧૦૮ ટીમના અસાધારણ પ્રયાસોને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link