દીકરીઓને દત્તક લઈને બે દંપતીએ કહ્યું, આખરે અમારો પરિવાર પૂરો થયો

Sun, 28 Nov 2021-7:59 am,

9 મહિનાની બે બાળકીઓને તેમના પરિવારે તરછોડી દીધી હતી. આજે આ બાળકીને નવા પરિવાર મળ્યા છે. રાજકોટના સુજીત નંદી અને કાજલ નંદીકે જેઓ શિક્ષક છે. જેમના લગ્નના 10 વર્ષ થયાં હતા. પણ તેઓએ પહેલેથી જ નક્કી કર્યુ હતું કે, તેઓ બાળક દત્તક લેશે. બસ આ વિચાર સાથે તેઓએ 3 વર્ષ પહેલાં બાળક દત્તક લેવા અરજી કરી હતી અને ત્યારે તેમનો નંબર 3000 ઉપર હતો. તેમને આશા ન હતી કે આટલી જલ્દી તેમનો નંબર આવી જશે. પણ દિવાળી પહેલા તેમને પાલડી શિશુ ગૃહમાંથી કોલ આવ્યો કે તેઓ બાળક દત્તક લેવા પસંદ થયા છે. આ સાથે તેઓની ખુશી સમાઈ નહિ. ગઈકાલે તેઓ બાળકીને લેવા પાલડી શિશુ ગૃહ પહોંચી ગયા. જેઓએ મિસ્તી નામની 9 મહિનાની બાળકીને દત્તક લીધી હતી. જેને તેઓએ નવું નામ સાયસા આપ્યું છે. જેનો મતલબ પવિત્ર અને માતા લક્ષ્મી અને દુર્ગાનું રૂપ થાય.

તો બીજી બાળકી છે આરજુ. જે પણ 9 મહિનાની છે. જેને મિસ્ત્રી પરિવારે દત્તક લીધી છે. મૂળ ઇડર અને મુંબઈમાં રહેતા તેમજ ઇન્ટિરિયર ડિઝાઈનર એવા મહેશ મિસ્ત્રી અને તેમના પત્ની ચેતના મિસ્ત્રીએ બાળકી દત્તક લઈને પરિવાર પૂરો કર્યો છે. મિસ્ત્રી પરિવારને લગ્નના 17 વર્ષ જેટલો સમય થયો. પરિવારમાં એક દીકરી હોય તેવી તેમની ઈચ્છા હતી. તેમને હાલ 9 વર્ષનો દીકરો છે. પણ બાળકીની ઈચ્છા તેમને કોરી ખાતી. જેથી તેઓએ પણ 3 વર્ષ પહેલાં બાળકી દત્તક લેવા અરજી કરી. ત્યારે તેમનો નંબર 3500 ઉપર હતો. જેથી તેમને પણ આશા ન હતી કે તેમનો નંબર ક્યારે લાગશે. પણ ધનતેરસે તેમને પાલડી શિશુ ગૃહ પરથી કોલ આવ્યો કે તેઓ બાળકી દત્તક લઈ શકશે. તેઓની પસંદગી થઈ. ધનતેરસના દિવસે કોલ આવતા તેમની ખુશી ન સમાઈ અને તેઓ આજે કાર્યક્રમમાં બાળકી લેવા પહોંચી ગયા. જે બાળકીનું નામ આરજુ છે, જેને તેઓએ નવું નામ નૂરવા આપ્યું છે. જેનો મતલબ પવિત્ર થાય. બાળકી દત્તક લેનાર મિસ્ત્રી પરિવારે અન્ય બાળક કે બાળકી તરછોડનારની ઘટનાનોને વખોડું સંદેશો આપતા લોકો બાળક દત્તક લે તેમ જણાવ્યું.  

પાલડી શિશુ ગૃહમાં યોજાયેલ બાળકી દત્તક આપવાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રાકેશ શાહ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી પ્રખ્યાત બનેલ અંજલિ મહેતા એવા નેહા મહેતા હાજર રહ્યા હતા. જેમના હસ્તે બંને બાળકીઓને નવા પરિવારને સોંપાઈ હતી.  

15 વર્ષથી કાર્યરત સરકારી પાલડી શિશુ ગૃહમાં 0 થી 6 વર્ષના ત્યજી દેવાયેલા બાળકો સાચવવામાં આવે છે. જ્યાં બાળક દત્તક આપવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ શિશુ ગૃહ દ્વારા બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. 455 બાળકો શિશુ ગૃહમાં આવ્યા, જેમાં 227 બાળકોને નવા માતાપિતા મળ્યા છે. તેમાં પણ 12 બાળક વિદેશ આપ્યા. તો હાલમાં શિશુ ગૃહમાં 14 બાળક છે. બાકી 12 બાળકો માંથી 2 બાળકો વિદેશ આપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જે બાબત એ પણ સૂચવે છે કે લોકો બાળક દત્તક લેતા થયા છે. જેના કારણે તરછોડલા બાળકોને નવો પરિવાર મળતો થયો છે. જે સમાજમાં એક ઉત્તમ કાર્ય ગણી શકાય.

દત્તક લેવાની શું છે પ્રક્રિયા 1. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે 2. અરજી બાદ ઘર તપાસની પ્રક્રિયા કરાય છે 3. પરિવાર સક્ષમ હોય તો બાળક મળે 4. બાદમાં સિલેક્શન થાય 5. 2 વર્ષ સુધી બાળક કે બાળકીની દેખરેખ થાય છે કે નહીં તે નિરીક્ષણ કરાય છે

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link