SG હાઈવે પર સાયક્લિસ્ટ તબીબને ટક્કર મારીને ભાગી જનારો પકડાયો, ચિક્કાર દારૂ પીને નીકળ્યો હતો
તાજેતરમાં 23 નવેમ્બરે સોલા બ્રિજ પર સાયક્લિસ્ટોની રેલીમાં બે સાયકલ સવારોને ટક્કર મારીને અકસ્માત સર્જવાની ઘટનામાં અદમવાદા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર ઘટના બાદ એક અઠવાડિયાથી આરોપીને શોધવાની પોલીસની મહેનત રંગ લાવી છે. પોલીસે ફરાર કાર ચાલક 29 વર્ષીય યુવકની આખરે ધરપકડ કરી લીધી છે. છારોડી ખાતે રહેતા પરમ ઉદયકુમાર વોરાની ધરપકડ કરવામાં આવી છે.
તારીખ 23 નવેમ્બરના રોજ અમદાવાદના એસજી હાઈવે પર સોલા બ્રિજ પર આ અકસ્માત સર્જાયો હતો. 23 નવેમ્બરના રોજ સાયકલ રેલી નીકળી હતી. જેમાં સાયકલિંગ કરતા તબીબ મિત્રોને એક એસયુવી કારે જોરદાર ટક્કર મારી હતી, અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ટક્કરમાં બે સાયકલ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે અમદાવાદ પોલીસ અકસ્માત બાદથી કારચાલકની શોધ કરી રહી હતી, આખરે પોલીસને સફળતા મળી.
ટેક્નિકલ સર્વેલન્સ અને 100 થી વધુ cctv ફુટેજની ઝીણવટભરી તપાસ બાદ અકસ્માત કરનાર યુવક ઝડપાયો છે. પોલીસ તપાસમાં યુવક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. બનાવ પહેલા પરમ અને તેના અન્ય મિત્રોએ વસ્ત્રાપુરની સોસાયટીમાં દારૂની પાર્ટી કરી હતી. વહેલી સવારે તમામ મિત્રો સોસાયટીમાંથી નીકળતા cctv માં નજરે પડ્યા હતા.
અકસ્માત કરનાર ગાડીના અધૂરા નંબર, મોબાઈલ લોકેશન અને cctv ફૂટેજના આધારે પોલીસે આરોપીની ખરાઈ કરી છે. સીસીટીવીમાં તે દારૂ પીને લથડિયા ખાતા બહાર નીકળતો દેખાયો હતો.
એટલું જ નહિ, આ આરોપીને કોઈ શરમ ન હતી. અકસ્માતમાં ડેમેજ થયેલી કારને ગેરેજમાં રીપેરિંગ માટે આપી આરોપી ઉદેપુર જતો રહ્યો હતો. આરોપીના પોતાના નામે વૈભવી કાર નોંધાયેલી છે. તે મેડિકલ ઈકવીપમેન્ટ બનવવાનો બિઝનેસ કરે છે.