દેશની પ્રથમ બુલેટ ટ્રેન પર મોટા સમાચાર, અમદાવાદથી તો દોડશે પરંતુ મુંબઇ નહીં પહોંચે!
સરકારનો લક્ષ્ય 2024માં અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાનો છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે જમીન અધિગ્રહણમાં આવી રહેલી મુશ્કેલીઓના કારણે બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઇ સીધી એકવખતમાં નહીં શરૂ થાય, પરંતુ બે ચાર તબક્કામાં વહેચીને શરૂ કરવામાં આવશે. 2024માં પહેલા તબક્કામાં બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી વાપી સુધી દોડશે, આ અંતર 325 કિલોમિટરનું છે. આ રૂટ પર જમીન અધિગ્રહણનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે અને કોરિડોરના કામમાં કોઈ મુશ્કેલી નથી.
બીજા તબક્કામાં જમીન સંપાદનને કારણે સમસ્યાઓ ઉદભવી રહી છે, તેથી વાપીથી બાંદરા વચ્ચે બુલેટ ટ્રેન ત્યારે જ ચલાવવામાં આવશે જ્યારે જમીન સંપાદનનું કામ પૂર્ણ થશે. રેલ્વે બોર્ડના જણાવ્યા મુજબ, જમીન સંપાદનમાં ગુજરાતમાં 80 ટકાથી વધુ સફળતા મળી છે. જ્યારે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં ઘણી સમસ્યા છે, જેના કારણે આખો પ્રોજેક્ટ અટકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
રેલ્વે બોર્ડના જણાવ્યા મુજબ, હાલમાં જમીન અધિગ્રહણ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે સતત વાતચીત થઈ રહી છે, અને મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવે ખાતરી આપી હતી કે મહારાષ્ટ્રમાં 80 ટકા જમીન સંપાદન આગામી 3-4 મહિનામાં પૂર્ણ થઈ શકે છે. પરંતુ રેલવે મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે જો મહારાષ્ટ્ર સરકારે સહકાર ન આપ્યો તો બુલેટ ટ્રેન બે તબક્કામાં ચલાવી શકાય છે.
હકીકતમાં, થાણે મહાનગરપાલિકાએ બુલેટ ટ્રેન માટે જમીન આપવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. બુલેટ ટ્રેન માટે મુંબઇ પછી હવે પછીનું સ્ટેશન થાણે મનપા વિસ્તારના મ્હાતાર્ડીમાં બનાવવાનું છે. બુલેટ ટ્રેન માટે થાણે મનપાની 3884 ચોરસ મીટર જમીન નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને ટ્રાન્સફર કરવાની હતી. આ માટે કોર્પોરેશને થાણે મનપાને 6 કરોડ 92 લાખ 82 હજાર રૂપિયા આપવાના છે. પરંતુ મેટ્રોકાર શેડને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલા વિવાદ પછી બુલેટ ટ્રેન માટે જમીન નહીં આપવાની દરખાસ્ત થાણે મનપાની સામાન્ય સભામાં પસાર કરવામાં આવી હતી.
ખરેખર, જ્યાં સુધી મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી ત્યાં સુધી જમીનો અધિગ્રહણ પણ ઝડપથી થઈ ગયું હતું, પરંતુ સરકાર બદલાતાં હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ગતિ અટકી થઈ ગઈ છે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે, અને તે જ વર્ષે બુલેટ ટ્રેન દોડવાની પણ યોજના છે. બુલેટ ટ્રેન પાટા પર બાદમાં દોડશે, રાજકારણના કોરિડોરમાં ઘણી દોડી રહી છે.
અમદાવાદથી મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો છે. આ બંને સ્ટેશનો વચ્ચે 12 સ્ટેશન છે. બુલેટ ટ્રેન 320 કિલોમિટર પ્રતિ ક્લાકની ગતીએ દોડશે અને તે આ અંતર 2-3 કલાકમાં પૂર્ણ કરશે.