મહેમદાવાદના ગણપતિ મંદિરને ફરતે બંધાઈ વિશાળ રાખડી, જુઓ Photos
મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાન પર રાખડી લગાવી શણગાર કરવામાં આવ્યો. આગામી રક્ષાબંધનના પર્વને લઈને આ વિશાળ રાખડી મંદિરને લગાવવામાં આવી છે. મહેમદાવાદ શહેરમાં વાત્રક નદી કિનારે આવેલા એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર એટલે કે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મંદિર પર સૌથી મોટી રાખડી લગાવાઈ છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
11 બાય 11 ફૂટની ગોળાકાર રાખડી મંદિર લગાવાઈ છે. ભગવાન ગજાનંદ ના દર્શન કરવા માટે આવતા ભાવિક ભક્તો સૌથી પહેલા આ રાખડીના દર્શન કરી રહ્યાં છે. હિન્દુ ધર્મમાં તહેવારોનું મહત્વ હોય છે ત્યારે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ટ્રસ્ટ દરેક તહેવારોએ અલગ અલગ આયોજન કરે છે ત્યારે આ રક્ષાબંધનની પુનમ પહેલા મંદિર પરિસર પર સૌથી મોટી રાખડીનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું.
મહેમદાવાદમાં આવેલું આ સિદ્ધિવિનાયક મંદિર 6 લાખ વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયું છે. જે 121 ફૂટ લાંબું અને 71 ફૂટ ઉંચુ છે. મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો ક્યાંય ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયન ટેકનલોજીનો ઉપયોગ કરીને મંદિરની ડિઝાઈન તૈયાર કરવામા આવી છે. આ મંદિરની ખાસિયત એ છે કે તેની ઊંચાઈ પાંચ માળ સુધીની છે. ત્યારે મંદિરને મળેલી આ સિદ્ધિ બહુ જ મોટી છે. તે હવે એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર બની ગયું છે. રવિવારે મંદિરના પરિસરમાં આ ખિતાબ એનાયત કરાયો હતો. આ પ્રસંગે મંદિર દ્વારા દત્તક લેવાયેલી દીકરીઓને પણ બોલાવવામાં આવી હતી.
વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9મી માર્ચ, 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે. ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશનું આ સૌથી મોટું ગણેશ મંદિર શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે.