માત્ર 9 વનડે રમી આ ઓલરાઉન્ડરે બનાવી વિશ્વ કપની ટીમમાં જગ્યા
cricbuzz.comના આંકડા પ્રમાણે વિજય શંકરે અત્યાર સુધી 9 વનડે મેચ, 9 ટી20 મેચ અને 25 આઈપીએલ મેચ રમી છે.
વનડે મેચોમાં 33ની એવરેજથી વિજયે કુલ 165 રન બનાવ્યા છે, જ્યારે ટી20માં 25ની એવરેજથી 101 રન બનાવ્યા છે. તો આઈપીએલમાં 22 ઈનિંગ રમતા વિજયે કુલ 445 રન બનાવ્યા છે.
તો બોલિંગની વાત કરીએ તો વિજય શંકરે 9 વનડેમાં કુલ 2 વિકેટ ઝડપી છે, જ્યારે ટી20 મેચોમાં તેના ખાતામાં 5 વિકેટ છે. આઈપીએલમાં અત્યાર સુધી તેણે એક વિકેટ ઝડપી છે.
વિજય શંકર તમિલનાડુ માટે રમે છે અને સતત તમામ ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. વિજય મિડલ ઓર્ડરમાં રમે છે અને મધ્યમ ઝડપી બોલિંગ પણ કરે છે.
વિજય શંકર ક્રિકેટ રમતા પરિવારમાંથી આવે છે. તેના પિતા અને ભાઈ તમિલનાડુ માટે લોએર ડિવિઝન ક્રિકેટ રમી ચુક્યા છે.
વિજય શંકરે 2012માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. 2014/15 રણજી સીઝનમાં તેણે 2 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. જલ્દી તેની પસંદગી ઈન્ડિયા એમાં કરી લેવામાં આવી હતી.
શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે રમાયેલી નિદહાસ ટ્રોફીમાં પણ વિજય શંકરને સ્થાન મળ્યું હતું. આઈપીએલમાં વિજય ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેયરડેવિલ્સ માટે રમી ચુક્યો છે. હાલમાં તે હૈદરાબાદની ટીમમાં છે.
મહત્વનું છે કે મુંબઈમાં સોમવારે ક્રિકેટના મહાસંગ્રામ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. વિશ્વ કપ-2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે.