બેકાબુ અલ્પેશ કથીરીયા પર ભાજપની આડકતરી લગામ? ભાજપ નેતા સાથે સગાઇ બાદ અનેક તર્કવિતર્ક
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથેની કાવ્યા પટેલની તસ્વીર પણ તેમના સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઇ ગયા બાદ અલ્પેશ એક નોનપોલિટિકલ ચહેરા તરીકે ઉભર્યો અને પાટીદારોમાં પણ તેની લોકપ્રિયતામાં ભારે ઉછાળો આવ્યો હતો. અલ્પેશ પોતાનાં સ્પષ્ટ અને બેબાક વિચારો વ્યક્ત કરવાનાં કારણે પણ રાજકીય વર્તુળોમાં હલચલ પેદા કરતા રહે છે. જો કે હાલમાં જ સુરતમાં આપને મોટી સફળતા અપાવ્યા બાદ તે આપમાં જોડાય તેવી શક્યતા સેવાઇ રહી હતી. તેવામાં અલ્પેશે ભાજપ નેતા સાથે સગાઇ કરતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.
ભાજપના બેનરતળે તેઓ કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરીયા રાજદ્રોહ સહિતના અનેક ગુનામાં જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. હાલ તો પાટીદાર અનામત મુદ્દે તે હંમેશા પ્રકાશમાં રહે છે. આ ઉપરાંત ભાજપ વિરોધી ચહેરાઓ પૈકી પણ તેનો ચહેરો પ્રખર માનવામાં આવે છે.
અલ્પેશ કથીરીયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતા લોકોમાં કુતુહલ પણ વ્યાપ્યું છે. પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરીયાએ આજે કામરેજની ફાઉન્ટેન હોટલમાં 7 વાગ્યે સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચુક્યા છે.
પાટીદાર આંદોલન થકી પ્રકાશમાં આવેલા બે યુવાનો પૈકી હાર્દિક પટેલ બાદ હવે અલ્પેશ કથીરીયા પણ ઠરી ઠામ થવા તરફ આગળ વધી ગયો છે. અલ્પેશ કથીરીયી પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવ્યા અને સુરત અને સમગ્ર ગુજરાતનાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે.