હૃદય કંપાવી દે તેવો અકસ્માત, પદયાત્રી પર ઈનોવા ફરી વળી, લાશો અહીં તહીં વિખેરાઈ, જુઓ Photos
5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.
માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા ચાલકે મા અંબાના દ્વારે જતા પદયાત્રીઓને કચડયા હતા. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 5 પદયાત્રીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને માલપુર સીએચસી ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે, તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના કલાલીના વતની હતા. યુવકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો. આ સંઘમાં 150 લોકો સામેલ હતા. પરંતુ સંઘ મા અંબાના દ્વાર પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો.
આ ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપશે.