અંબાજીના પદયાત્રીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ જેવો સેવાકેમ્પ, શરણાઈ વગાડીને ભક્તોને આવકારે છે
ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુર -અંબાજી માર્ગ ઉપર આવેલ ધોરી ગામ નજીક સેવા ભાવિ સંસ્થા પી.એન માળી ફાઉન્ડેશન દ્વારા બનાવેલ ફાઈવ સ્ટાર સુવિધાઓ વાળા સેવા કેમ્પનું ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલ દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું. જયાં ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક ફાઇવસ્ટાર સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, તો સેવા કેમ્પોમાં સેવાર્થીઓ પદયાત્રીઓની ભગવાનની જેમ સેવા કરતા નજરે પડી રહ્યા છે.
યાત્રાધામ અંબાજીમા ભાદરવીનો મહામેળો જામી રહ્યો છે. ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને જવા પગપાળા યાત્રા કરી રહ્યાં છે. લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છે એમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે રાહત કેમ્પોમાં કામ કરી રહ્યાં છે. પગપાળા ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે પાલનપુર -અંબાજી હાઇવે ઉપરના ધોરી ગામ નજીક પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ‘ફાઈવ સ્ટાર’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે સેવા કેમ્પનું આજે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું
આ કેમ્પમાં પદયાત્રીઓને ઉત્તમ પ્રકારની જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી,નાસ્તા અને ચાની તેમજ આરામ સહિત અનેક વ્યવસ્થા કરવામાં આવી છે.આ ફાઈવ સ્ટાર સેવા કેમ્પોમાં પગપાળા ભક્તોને ઢોલ,નગારાં અને શરણાઈ વગાડીને જેમ લગ્ન પ્રસંગમાં આવકારવામાં આવતા હોય તેમ આવકારવામાં આવી રહ્યા છે અને પ્રેમથી તેમને હોટલ કરતા પણ ઉત્તમ જમવાનું પ્રેમથી જમાડવામાં આવી રહ્યું છે જોકે આયોજકો પણ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ભાજપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલે જણાવ્યું કે, અંબાજી જતા ભક્તો માટે આજે ઉત્તમ સેવાઓ પુરી પડતા સેવા કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. કેમ્પના આયોજક પીએન માળીએ કહ્યું કે, અમે ભક્તો માટે ફાઇવસ્ટાર સેવા કેમ્પનું આયોજન કર્યું છે, અમારા કેમ્પમાં પગપાળા જતા ભક્તો માટે ઉત્તમ ચા નાસ્તો ભોજન તેમજ પગની માલિસ કરવાની વ્યવસ્થા તેમજ મેડિકલ ની વ્યવસ્થા કરી છે અમને ભક્તોની સેવા કરીને આનંદ આવે છે. આ કેમ્પમાં આવેલા એક પદયાત્રી ભક્તે કહ્યું કે, અહીં સેવા કેમ્પમાં જાણે લગ્નમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે બહુ સારી વ્યવસ્થા કરાઈ છે.
આજે મહાકુંભનો બીજો દિવસ છે. પ્રથમ દિવસે બે લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે. મંદિર સહિત સમગ્ર અંબાજી ભક્તોથી ઉભરાયું છે. અંબાજીના તમામ માર્ગો માઇ ભક્તોથી ઉભરાયા છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે. અંબાજીમાં ચારે બાજુ હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો હાથોમાં ધજાઓ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. અનેકો ભક્તો સંઘ સાથે પણ અંબાજીમાં પહોંચી રહ્યાં છે. અંબાજી મંદિરમાં માઇ ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. દર્શન પથની રેલિંગો માઈ ભક્તોથી ઉભરાઈ છે. અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.