અંબાલાલ પટેલની ભારે ચેતવણી : ડિસેમ્બરની આ તારીખે ભયાનક ઠંડી અને વરસાદ એકસાથે ત્રાટકશે
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનું જોર વધે છે. જો કે નવેમ્બર મહિનાનો અંત આવ્યો હોવા છતાં હજુ સુધી જોઈએ તે પ્રમાણે ઠંડી નથી પડી રહી. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે છે.
જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે. આગામી બે દિવસમાં ભયાનક ઠંડી શરૂ થઈ જશે. દેશના 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલું રહેશે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ રહેશે. જોકે, ડિસેમ્બર મહિનો ઠંડીથી વધુ કંપાવનારો રહેશે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો ચાલુ છે.