કડાકા ભડાકા અને કરા સાથે ગુજરાતમાં વરસાદ પડશે! સૌથી મોટો ખતરો, આ વિસ્તારોમાં ત્રાટકશે

Tue, 28 Jan 2025-4:33 pm,

વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રૂપ હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 

30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 28 જાન્યુઆરીથી રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવશે.   

30-31 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવશે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. 

આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આવનાર દિવસો માટે આગાહી આવી ગઈ છે. તેમણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે જ કહ્યું કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, એ અસ્થિરના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, અમદાવાદમાં પાછલા 24 કલાકમાં તાપમાન ગગડ્યું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહ્યું. તો ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન રહ્યું. નલિયાના તાપમાનમાં વધારો થઈ 9.8 ડિગ્રી તાપમાન રહ્યું. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહિવત છે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા છે.

ગુજરાત અને દેશના રાજકારણમાં મોટા ફેરફારો થઈ શકે તેવી જ્યોતિષ અંબાલાલ પટેલની નવી આગાહી છે. સાથે જ ગુજરાતમાં રાજકીય રીતે ફેબ્રુઆરી માસ દરમિયાન મોટી ચહલ પહલ અને આયા રામ ગયા રામની રાજનીતિ થશે તેવી ભવિષ્યવાણી પણ કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર કે રાજ્ય સરકારને મોટી અસર નહીં થાય પણ આંતરિક અસંતોષ રાજકીય પક્ષોમાં ઊભો થશે. ગુજરાતમાં પણ આંતરિક ખેંચતાણ ચરમ સીમાએ પહોંચે.  

અંબાલાલ પટેલની આ રાજકીય આગાહી એવા સમયે આવી જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. અત્યારથી જ પક્ષપલટાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં શું થશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link