આકાશમાં જોઈ હવાનો હાલ બતાવતા અંબાલાલ કેટલું ભણેલાં હશે? ડિગ્રી જાણીને ચોંકી જશો
Ambalal Patel: શિયાળો, ઉનાળો કે ચોમાસું એક નામ હંમેશા સામે આવતું હોય છે અને એ છે અંબાલાલ પટેલ. આ નામ તમે ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં ઘણી વખત જોયું અને સાંભળ્યું હશે. પણ તેમના પરિચય વિશે વધુ માહિતી મેળવીએ કે તે કેવી રીતે હવામાન નિષ્ણાંત બન્યા? તેમણે શું અભ્યાસ કર્યો છે? પહેલી આગાહી ક્યારે કરી હતી? સૌ કોઈ જાણવા માંગે છે આ સવાલોના જવાબો...
દેશની આઝાદીના બીજા જ મહિને એટલેકે, 1લી સપ્ટેમ્બર 1947ના રોજ અમદાવાદ જિલ્લાના એક ગામમાં થયો હતો અંબાલાલ પટેલનો જન્મ. જોકે, એ સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત હતા. એ સમયના અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના રૂદાતલ ગામમાં જે હાલમાં દેત્રોજ તરીકે ઓળખાય છે ત્યાં થયો હતો જાણીતા આગાહીકાર અંબાલાલનો જન્મ. ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ છોકરો મોટો થઈને આખા ગુજરાતના હવામાન અંગે આગાહીઓ કરતો થઈ જશે અને લોકો તેની આગાહીની રાહ જોઈને બેસી રહેશે. અંબાલાલની આગાહીઓ સાચી પડશે અને ભલભલા હવામાન વૈજ્ઞાનિકોને પણ ભોંઠા પાડી ડે તેવું તેમનું પ્રિડિક્શન હશે તેવી એ સમયે કોઈને ખબર નહોંતી. સમય બદલાયો અને બદલાયેલાં સમયની સાથે સ્થિતિ બદલાઈ. અંબાલાલને કઈ રીતે આકાશમાં જોઈને હવામાનની આગાહી કરવામાં રસ પડ્યો એ વાત પણ જાણવા જેવી છે.
અમદાવાદ જિલ્લાના પોતાના વતન દેત્રોજ ગામમાં જ અંબાલાલ પટેલનું પ્રાથમિક શિક્ષણ થયું. ગામની પ્રાથમિક શાળામાં જ અંબાલાલે શિક્ષણ લીધું. ત્યાર બાદ માધ્યમિક શાળામાં અભ્યાસ માટે અંબાલાલ પડોશમાં આવેલાં બાણતાઈ ગામમાં ગયા અને ત્યાં ભણ્યાં. તેમનો અભ્યાસ અહીંથી અટક્યો નથી. આગળ પણ ચાલતો રહ્યો અંબાલાલનો અભ્યાસ...
તમને લાગશે કે ગામડાની દેશી અને તળપદી ભાષા બોલતા અંબાલાલ કેટલું ભણેલાં હશે? તો તેમનું શિક્ષણ જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો. 1970-1971ની સાલમાં જ્યારે લોકો ગુજરાતીમાંય ભણવા માટે તૈયાર નહોંતા, ફાંફા પડતા હતા, એ સમયમાં અંબાલાલ પટેલે અંગ્રેજી મીડિયમ સાથે એગ્રીકલ્ચરનો BSCનો કોર્સ કર્યો. અંબાલાલે BSC કરવા માટે પોતાનું વતન છોડીને આણંદ જવું પડ્યું હતું, જોકે, તેઓને ભણવાનો ખુબ શોખ હોવાથી તે ડગ્યા નથી.
આણંદમાં બીએસસી કર્યા પછી અંબાલાલનું ભણવાનું પુરુ થયું અને નોકરી મળી. અંબાલાલ પટેલે નોકરીની શરૂઆત 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે કરી. આખા ગુજરાતમાં ફરવાનું અને ખેડૂતોના બીજનું સુપરવાઈજિંગ કરવાનું. બીજની ગુણવત્તા શું છે, સારી ગુણવત્તા માટે શું કરી શકાય એની સલાહ પણ ખેડૂત ભાઈઓને અંબાલાલ આપતા. ત્યારબાદ 1986માં અંબાલાલ સેક્ટર-15 ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં આવ્યા. અહીં તેઓ કેમેસ્ટ્રી વિભાગમાં ખાતર ચકાસણીની લેબોટેરટીમાં ફરજ બજાવતા હતા.
ત્યારબાદ 1989-1980માં તેઓનું એગ્રી. ઈન્સપેક્ટરમાંથી એગ્રી. ઓફિસર તરીકે પ્રમોશન થયું. એ રીતે હોદ્દા પર રહીને તેમણે સરકારને સેવા આપવાનું શરૂ રાખ્યું. એ પછી 2004-2005ની આજુબાજુ તેઓ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મદદનીશ ખેતી નિમાયક તરીકે જોડાયા. ત્યારબાદ જૈવિક નિયંત્રણ કંટ્રોલ એટલે કે બાયો કન્ટ્રોલ ખાતામાં ફરજ બજાવી અને આખરે 2005માં તેઓ રિટાયર્ડ થઈ ગયા અને હાલમાં ગાંધીનગર ખાતે રહીને પોતાનું જીવન જીવી રહ્યાં છે.
પોતાના શોખ અને અંગત જીવન વિશે વાત કરતાં અંબાલાલ પટેલ જણાવે છે કે જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે. ભક્તિનો મને ખૂબ શોખ છે. નરસિંહ મહેતા અને મીરાભાઈના ભજનો, પદો તેમને ખુબ ગમે છે અને તેઓ નિયમિત અભ્યાસ પણ કરે છે. પોતાને ભક્તિભાવથી તરબોળ રાખવામા માનું છું. ગાંધીબાપુ તેમની પ્રેરણા છે. આધ્યાત્મિક જીવન જીવવાનો શોખ છે. શ્રીમદ ભગવત ગીતાનો અભ્યાસ પણ તેઓ કરે છે. વાંચનમાં વેદોનો અભ્યાસ, વિહંગાવલોકન, વૈદિક સાહિત્ય, જ્યોતિષીના પુસ્તકો વગેરે ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ છે.
આમ તો અંબાલાલ પટેલની આગાહી અને મળતો પ્રેમ જ એમની ખરી સિદ્ધિ છે. સાથે સાથે 2003માં અંબાલાલને UNO એવોર્ડ મળેલો છે. રોટલી ક્લબ તરફથી અનેક સન્માન મળેલા છે. ગુજરાતની વિવિધ સંસ્થા દ્વારા પણ સન્માન મળેલા છે. ગુજરાતના અનેક જિલ્લામાં લેક્ચર આપવા ગયા છે અને અનેક હોલમાં સન્માનિત થયા છે.