Ambalal Agahi: અંબાલાલ પટેલની ગુજરાત પર ભયંકર આગાહી, આ મહિનામાં થશે અતિવૃષ્ટિ, જાણો ક્યાં કેટલો પડશે વરસાદ
વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26 જુલાઈએ એટલે કે આજે ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. 26, 27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની અસર જોવા મળશે.
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં અંબાલાલે જણાવ્યું છેકે, ગુજરાતમાં 100 કિ.મી. ની રફતારથી સુસવાટા સાથે ભારે પવન ફૂંકાશે. પવનની સાથો-સાથ નદીઓમાં ઘોડાપુર આવશે. રાજ્યભરની મોટાભાગની નદીઓમાં આ સિસ્ટમની અસર જોવા મળશે. જો નદીઓમાં ભારે પુર આવ્યું તો ઘરોમાં પણ ઘુસી શકે છે નદીઓનું પાણી.
ઉલ્લેખનીય છેકે, ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિતના વિવિધ જિલ્લાઓમાં હાલ સ્થિતિ ખુબ ખરાબ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરામતાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી. સામાન્ય જનજીવન અસ્તવસ્ત થઈ ગયું હતું અને હજુ પણ કેટલાક સ્થળોએ લોકોની રોજબરોજની જિંદગી પાટા પર ચઢી નથી.
રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો આજદિન સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 132.37 ટકા, સૌરાષ્ટ્રમાં 105.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 61.02 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57.60 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 55.30 ટકા વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની સરેરાશ 71.67 ટકા જેટલી થઈ ગઈ છે.
હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની ભીતીને પગલે દરિયો પણ તોફાની બની શકે છે.