પાણી નહીં પદાધિકારીઓના પાપ છે! અમદાવાદની ઘોર ખોદાઈ : સજા ભોગવી રહ્યાં છે 70 લાખ અમદાવાદીઓ....

Tue, 27 Aug 2024-2:10 pm,

અમદાવાદમાં વરસાદની આ તસવીર ઘણું બધું કહી જાય છે. શહેરની હાલત કેટલી ખરાબ છે એનો અંદાજે આ તસવીર પરથી પણ લગાવી શકાય છે.

થોડી તો શરમ કરો, 30 વર્ષથી તમારું શાસન છે છતાં સાવ સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબી જાય છે. વિકાસ વિકાસ કરતાં તમારા નેતાઓના પાપ જરા સરકાર પણ જુએ કે અમદાવાદમાં નેતાઓએ કેવો વિકાસ કર્યો છે. 

નેતાજીની જમીન ક્યાં છે? નેતાજીનો મોલ ક્યાં છે? નેતાજીની કન્સટ્રક્શન સાઈટ ક્યાં છે? ક્યાં ટીપી પડશે તો ફલાણા નેતાજીની નજરમાં આવીશું? નેતાઓને સાચવવામાં સત્તાધિશોએ અમદાવાદની ખો કાઢી નાખી છે. દરેકને ટીપી ક્યાંથી નીકળે અને રોડ રસ્તા ક્યાંથી નીકળે તો મલાઈ મળે એમાં જ રસ છે. અમદાવાદમાં પાણી નિકાલના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. સરકાર અને એએમસી પહેલાંથી બુમરાણ મચાવે કે ભારે વરસાદ પડવાનો છે એ કાગારોળ એટલી હોય કે 2 ઈંચ વરસાદમાં પણ 20 ઈંચ વરસાદ પડે તેવો માહોલ ઉભો કરાય કારણ કે અમદાવાદીઓ એ ન સમજે કે મોન્સૂનનો પ્લાન ફેલ ગયો છે. 

આમાં બધાનો વાંક નથી પણ જેમને વિકાસના નામે માત્ર મલાઈ દેખાય છે અને ફક્ત પૈસા ઘરભેગા કરી ઘરે પહોંચાડવા છે એવા કેટલાક સત્તાધિશો અને નેતાઓના પાપે સજા ભોગવી રહ્યું છે અમદાવાદ અને અમદાવાદની પ્રજા.... વધુ વરસાદની બુમરાણ એ ફક્ત પોતાના પાપોને છૂપાવવાનો કીમિયો છે. વાસ્તવિકતા એ છે કે 4 ઈંચ વરસાદ પણ અમદાવાદ સહન ન કરી શકે એવું આયોજન વિકાસના નામે થયું છે. અમદાવાદની ઘોર ખોદાઈ ગઈ છે. જે દિવસે ખરેખર એક જ ઝાટકે 5થી 10 ઈંચ વરસાદ પડ્યો એ દિવસે અડધું અમદાવાદ પાણીમાં હશે. 

પાડાના વાંકે પખાલીને ડામની કહેવત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને પદાધિકારીઓ માટે એકદમ ફિટ બેસે છે. સત્તાધીશો અને પદાધિકારીઓ વિકાસ કામોના નામે કટકી કરવામાંથી, પોતાનું ઘર ભરવામાંથી ઉંચા નથી આવતા તો...શહેરની સમસ્યાઓનું સમાધાન ક્યાંથી આવે. સામાન્ય વરસાદમાં તો કહેવાત મેગાસીટી અમદાવાદની બેન્ડ વાગી ગઈ છે. 

અમદાવાદ શહેરમાં હાલ ઈસનપુરથી ઈસ્કોન સુધી, નરોડાથી નારણપુરા સુધી, ઘોડાસરથી ઘાટલોડિયા સુધી,  ગોમતી પુરથી ગોતા સુધી અને સાબરમતીથી સાણંદ સુધી...અત્ર યત્ર સર્વત્ર પાણી-પાણી છે. દેખીતી રીતે એવું લાગશે કે આ તો વરસાદનું પાણી છે. પણ સાચું કહીએ તો આ માત્ર વરસાદનું પાણી નથી પણ આ અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન, તેના ભ્રષ્ટ સત્તાધીશો અને પદાધિકારીઓનો પાપ ફૂટી નીકળ્યો છે. જેની સજા ભોગવી રહ્યું છે આખું અમદાવાદ શહેર. વિકાસના નામે મત આપવાની સજા ભોગવી રહ્યાં છે 70 લાખ અમદાવાદીઓ....  

માત્ર બે-ચાર ઈંચ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાક કપાવ્યું.... સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા ભાજપ સરકારના વિકાસના તમામ દાવા... AMC ના અધિકારીઓ કટકી કરવામાંથી ઉંચા નથી આવતા, તો કામ ક્યાંથી થાય? સામાન્ય વરસાદમાં ખુલ્લી પડી ગઈ AMC ની પોલ, ઠેર-ઠેર ફરાયા પાણી અમદાવાદના મોટા ભાગના રોડ-રસ્તા થયા ઠપ્પ...તંત્રના પાપે લોકોને હાલાકી...

ગુજરાતના 33 જિલ્લાઓમાં સૌથી મોટી મહાનગર પાલિકા એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ગુજરાતમાં આઈએએસ તરીકે આવેલાં દરેક અધિકારીની ઈચ્છા હોય છે કે, એકવાર તેને અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે વહીવટ કરવા મળે. બીજી બાજુ ભાજપ હોય કે કોંગ્રેસ કોર્પોરેટર તરીકે ચૂંટાયા પછી દરેક રાજનેતાની ઈચ્છા હોય છેકે, તેમને અમદાવાદ શહેરના સૌથી ઉંચા પદ એટલે કે, મેયરની ખુરશી પર બેસીને આ શહેરનો વહીવટ સંભાળવા મળે. જોકે, કરમની કઠણાઈ કહો કે વિધિની વક્રતા જ્યારે જ્યારે જેના પણ હાથમાં આ શહેરની સત્તા આવી છે તે માંથી મોટા ભાગના લોકોએ સત્તા પર બેસીને માત્ર 'વહીવટ' જ કર્યો છે. કેવો વહીવટ...? શહેરની સુખાકારી કે શહેરીજનોની અગવડતા દૂર કરવા માટે નો નહીં...પણ પોતાનું ઘર ભરવા માટે શહેરની ઘોર ખોદી નાંખે તેનો વહીવટ...  

ભાજપ હોય કે કોંગ્રેસ અહીં બન્ને જ સરખા છે. જોકે, છેલ્લાં 3 દાયકાથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે અને વિકાસના વાયદા કરી કરીને વોટ લઈને ફરી સત્તા પર આવતું રહે છે. નરેન્દ્ર મોદી વિકાસના વાયદા કરીને ગુજરાતથી દિલ્લીની ગાદી સુધી પહોંચ્યા. એકવાર નહીં મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા. જે આપણાં સૌ માટે એક ગુજરાતી તરીકે ગૌરવની વાત છે. પણ તેમના ગયા પછી ગુજરાત અને ખાસ કરીને તેમની કર્મભૂમિ રહી ચુકેલા શહેર અમદાવાદની શું દશા થઈ એ જોવા જેવી છે. વિકાસના નામે રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક તો બન્યો પણ...આ શહેરમાં લોકો સવારે ઘરેથી ઓફિસ જાય તો...સમાન્ય વરસાદ બાદ સાંજે ઘરે પરત ફરવા માટે લોકોને રસ્તો નથી મળતો....

લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરમાં 10 રસ્તા પણ સારા કહી શકાય એવા નથી. આ હાલ છે આપણા અમદાવાદના. એ અમદાવાદ જે વર્લ્ડ હેરિટેજ સિટી છે, એ અમદાવાદ જે રાજ્યનું આર્થિક પાટનગર કહેવાય છે. મેઘરાજા અમદાવાદ પર એવા વરસ્યા કે કોઈ વિસ્તારને ન છોડ્યો...બધા જ વિસ્તારોને પાણીની તરબોળ કરી નાંખ્યા...અમદાવાદના એક બે નહીં પણ તમામ વિસ્તાર પાણીથી લબાલબ છે..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link