‘અમે મરીશું, તો તમને સાથે લઈને મરીશું...’ અમદાવાદી યુવાઓના આવા ટોળા ઘરે કોરોના લઈ જાય છે
મુખ્યત્વે સિંધુ ભવન રોડ, પ્રહલાદ નગર રોડ, આઈ.આઈ.એમ. રોડ, એસ જી હાઇવે અને રીંગ રોડ જેવા વિસ્તારોમાં યુવાનોના ટોળા ભેગા થતાં જોવા મળે છે. આમ કરવાથી, તેઓ ઘરે જઈને ઘરમાં રહેતા તેમના માતાપિતા, કુટુંબીજનો અને બીજા વયોવૃદ્ધ લોકોને સંક્રમિત કરવાનું જોખમ વધારી રહ્યાં છે.
આ વીડિયો એએમસી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં કોવિડ મામલે લોકોની બેદરકારી છતી કરતો વીડિયો છે. ટોળા સ્વરૂપે અને માસ્ક વગર લોકો એકઠા થાય છે. હજીપણ અમદાવાદના લોકો ખૂબ જ બેદરકાર છે.
આવા તમામ લોકો ફરજીયાત માસ્ક પહેરે અને મોટા ગ્રુપમાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમોનું પાલન કરે. જેનું પાલન નહિ કરવામાં આવે તો અ.મ્યુ.કો. દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કોવિડ ગાઈડલાઈન ભંગ મામલે એએમસીની કામગીરી સામે આવી છે. અમદાવાદીઓની બેદરકારી અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અત્યાર સુધી 55,000 દુકાનોને 1.88 કરોડનો દંડ કરાયો છે. તો મોટા મોલ અને શોપિંગ કોમ્પલેક્સ પાસેથી દંડ રૂપે રૂપિયા 31.41 લાખ વસૂલાયા છે.
માસ્ક ન પહેરવા બદલ 4.5 લાખ લોકો પાસેથી 2.24 કરોડ દંડ વસૂલાયો છે. 6949 લોકો પાસેથી જાહેરમાં થૂંકવા બદલ 27.21 લાખ રૂપિયા વસૂલાયા છે. તો 608 પાન ગલ્લા પાસેથી રૂ.38.61 લાખ વસૂલાયા છે. આ ઉપરાંત 35 ટી સ્ટોલ સીલ કરાયા છે, અને 1200 બંધ કરાયા છે.