પિતાએ બળદગાડામાં કાઢી દીકરાની જાન, સદીઓ જૂની પરંપરા જોઈને ખુશ થઈ ગયા બારાતી

Wed, 08 Dec 2021-5:17 pm,

સાદું બળદગાડું પણ આજે દેખાતું નથી, ત્યારે દીતલા ગામના ડોબરિયા પરિવાર ત્રણ મહિનાની સખત મહેનત કરી બળદ અને ગાડાને શોધ્યા હતા. એટલુ જ નહિ, તેમણે બળદ ગાડાને લગ્ન માટે ખાસ શણગાર્યા હતા. શણગારવા માટેના દેશી ભરત અને ઝુલો શોધી હતી. આજથી 50 વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટેનો ડોબરિયા પરિવારનો પ્રયાસ સફળ રહ્યો છે. લલિતભાઈ ડોબરિયાએ પોતાના પુત્રના લગ્નને ખાસ બનાવ્યા હતા. લગ્નની જાન બળદગાડામાં બળદોને પણ શણગાર્યા હતા. વિવિધ પ્રકારના મોતીકામ અને દેશી ભરત કામથી બળદોને શણગાર્યા હતા. તેમજ અવનવી સાડીઓથી પણ બળદગાડાને શણગારવામાં આવ્યા હતા. 9 જેટલા બળદગાડા જાન લઈને દિતલાથી નેસડી આવી પહોંચ્યા હતા.  

વરરાજા હેની ડોબરિયાએ કહ્યું કે, નાનપણમાં દાદાજીની વાતોમાં એવું સાંભળવા મળતું કે, અમારા લગ્ન બળદગાડામાં થયા હતા. ત્યારે નાની ઉંમરના બાળકને બળદગાડામાં લગ્ન કેવી રીતે થતાં હશે, કેવી રીતે બળદગાડામાં જાન જાતી હશે એ વાતોમાં મને રસ પડ્યો. એક ઈચ્છા જાગી હતી કે મારે પણ મારા લગ્ન બળદગાડામાં જાન જોડીને કરવા છે. આખરે મને આ સપનું સાકાર કરવાનો અવસર મળ્યો અને બળદગાડામાં બેસીને પરણવા જવાનું મારા માટે અનોખો રોમાંચ અને અનુભવ બની રહ્યો. પ્રકૃતિના દર્શન કરતા કરતા દેશી લગ્ન ગીત અને બળદના રણકતા ઘૂઘરાનો અવાજ એ મુસાફરી કંઈક અનોખી જ અનુભવવા મળી.  

સામાન્ય રીતે અત્યારે લગ્નગાળાની સીઝનમાં વિવિધ પ્રકારના વાહનો મારફતે આપણે લગ્નમાં જતા હોઈએ છીએ. પરંતુ ગાડામાં બેસીને જાનમાં જવું એ એક અનોખો જ અનુભવ હોય છે. ખાસ કરીને અત્યારના સમયમાં અને નવી પેઢીને આ અનુભવ ખૂબ જ ગમ્યો અને નવી પેઢી પણ ગાડામાં બેસીને જાનમાં જવાની સલાહ પણ આપે છે.  

પોતાની જાન બળદગાડામાં આવી રહી છે તેનું ગૌરવ અને આનંદ પરણીતાને થયું હતું. કન્યા પૂજાબેને કહ્યું કે, નવી પેઢીને બળદગાડાની પરંપરાથી અવગત કરાવવાનો આ અવસર ખાસ હતો. માત્ર અમે જ નહિ, પરંતુ સમગ્ર ગામે એનો અનુભવ કર્યો, આનંદ માણ્યો અને ગામ હિલોળે ચડ્યું. બળદગાડાની પરંપરા અને એ જાન ખરેખર જોવા જેવી અને માણવા જેવી હોય છે.

લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે કોઈ હેલિકોપ્ટરમાં, તો કોઈ લક્ઝરી બસમાં અને કારમાં પોતાના પુત્રને પરણાવવા જઈ રહ્યા છે. ત્યારે આ સમયમાં પ્રાચીન શણગારેલા બળદ ગાડામાં જાન લઈ જવાની પરંપરાને જાળવી નવી પેઢીને એક અનોખો અને રોમાંચિત કરનારો અનુભવ કરાવ્યો છે, જે ખુબ જ સરાહનીય છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link