અમરેલીના યુવકોના પ્રાચીન રાસ ગરબા જોવા દૂરદૂરથી લોકો આવે છે, 9 દિવસ અલગ અલગ રાસ થાય
સાવરકુંડલા શહેરમાં છેલ્લા 75 વર્ષથી દેવડા ગેટ વિસ્તારમાં જય ખોડીયાર બાળમંડળ દ્વારા પ્રાચીન રાસ ગરબા રમાય .છે અહીં દસ વર્ષના બાળકથી લઈને 45 વર્ષના આધેડ સહિત પ્રાચીન ગરબા રમે છે. અત્યારના આધુનિક યુગમાં યુવાનો તેમજ યુવતીઓ પાર્ટી પ્લોટમાં તેમજ આધુનિક ગરબા રમતા હોય છે. પરંતુ સાવરકુંડલાના જય ખોડીયાર બાળ મંડળ દ્વારા છેલ્લા 75 વર્ષથી પરંપરાગત પોષાક પહેરીને યુવાનો પ્રાચીન ગરબા રમે છે. અહીં બાળકો તથા યુવાનો કેડીયુ પહેરીને ગરબા રમે છે. અહીંના આયોજકો પણ પરંપરાગત ગરબા બાળકો તથા યુવાનો રમે છે તેનો તેમને ખૂબ જ આનંદ છે.
જય ખોડિયાર બાળ મંડળના આયોજક કનુભાઈ રાઠોડે જણાવ્યું કે, જય ખોડીયાર બાળ મંડળના યુવકોને પણ આ પરંપરાગત ગરબા રમવાનો ખૂબ જ આનંદ છે. સાવરકુંડલા શહેરમાં જય ખોડીયાર બાળ મંડળ દ્વારા પરંપરાગત રીતે જે રાસ રમાય છે, આ રાસ ને જોવા લોકો ખૂબ જ દૂરથી આવે છે. લોકો અમરેલી રાજુલા મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આ રાસને જોવા લોકોની મોટી ભીડ ઉમટી પડે છે. ત્યારે કેડિયું પહેરીને રમતા યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તો ગરબામાં ઉત્સાહભેર ભાગ લેનાર ધર્મેશભાઈ ટાંકે જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં લોકો મોટા મોટા પાર્ટી પ્લોટમાં અને ડીજેના તાલે ગરબા રમતા હોય છે. પરંતુ સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં જય ખોડીયાર બાળ મંડળ દ્વારા છેલ્લા 75 વર્ષથી પરંપરાગત અને પ્રાચીન ગરબા રમાય છે. પ્રાચીન ગરબા ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલાના જય ખોડીયાર બાળ મંડળ દ્વારા પરંપરાગત ગરબા હજુ પણ જાળવી રાખ્યા છે.