આણંદમાં અકસ્માત બાદનો ભયાવહ નજારો : ટ્રકની ટક્કરે ઈકો કાર અડધી થઈ ગઈ, એક બાજુ લાશોનો ઢગલો થયો
પ્રાથમિક માહિતી અનુસાર, સવારે 6 થી 6.30 ની વચ્ચે આ અકસ્માત બન્યો હતો. GJ 10 VT 0409 નંબરની ઇકો ગાડીને અકસ્માત નડ્યો હતો. ભાવનગરનો પરિવાર સુરતથી ભાવનગર ઈકો કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો. ઈકો કારમાં એક જ પરિવારના 9 સભ્યો હતા. ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 9 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી છે.
તારાપુરથી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ભાવનગર તરફ જતી હતી અને ટ્રક બગોદરા તરફ આવતો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાતા કારમાં સવાર તમામ 9 લોકોના મોત નિપજ્યા છે.
જોકે, હાલ આ પરિવાર કોણ છે તેની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે તારાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોને તારાપુર રેફરર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
આ અકસ્માત તંત્રના વાંકે થયો હોવાનું કહી શકાય. અકસ્માત વાસદ બગોદરા હાઈવે પર સર્જાયો હતો, જેનું લાંબા વર્ષોથી રોડનું કામ ચાલી રહ્યુ છે. વિવાદોને કારણે 6 લેન હાઈવેનું કામ ઠકેલપંચે ચાલી રહ્યું છે. જેથી વર્ષોથી એક જ સાઈડનો રોડ ચાલુ હતો. તેથી વહેલી સવારના અંધારામાં બે ગાડીઓ સામસામે ભટકાઈ હતી.