અંબાણીના એન્ટીલિયા જેવું ઉંચુ છે આ બર્ડ હાઉસ, અમેરિકા સ્થાયી થયેલા NRI એ પક્ષીઓને આપ્યું નવું ઘર
ગગનમાં વિહરતા અને વૃક્ષો ઉપર નિવાસ કરતા પક્ષીઓને પણ એક ઘર હોય તો કેવુ સારૂ. બસ આવો એક વિચાર આણંદ જિલ્લાનાં ઉમરેઠ નજીક આવેલા લિંગડા ગામનાં એનઆરઆઈને આવ્યો અને તેઓએ લિંગડા ગામ પાસે હાઈવે પર 70 ફુટથી વધુ ઉંચા અને એક હજારથી વધુ પક્ષીઓ રહી શકે તેવા પક્ષીધરનું નિર્માણ કર્યું છે, જે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દાયકાઓ પૂર્વે જુના સમયમાં પક્ષીઓ ચણી શકે તેમજ તેમને ચણ અને પાણી મળી રહે તે માટે આકર્ષક ચબુતરાઓનું નિર્માણ કરવામાં આવતું હતું. પરંતુ હવે વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે, અને સિમેન્ટ કોંક્રીટનાં જંગલો વિસ્તરી રહ્યા છે. ત્યારે પક્ષીઓ માળા કયાં બનાવે? ત્યારે લિંગડા ગામનાં એનઆરઆઈએ ગામ પાસે સાડા નવ લાખ રૂપિયાનાં ખર્ચે અંદાજે 70 ફુટ ઉંચા પક્ષીધરનું નિર્માણ કર્યું છે.
આ પક્ષીધરમાં એક સાથે એક હજારથી વધુ પક્ષીઓ રહી શકે છે, તેમજ તેઓને ચણ અને પાણી પણ અહિયાંથી જ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
મુળ લીંગડા ગામના અને છેલ્લા ૨૫ વર્ષથી અમેરિકામાં વસવાટ કરતા નિલેશ કુમાર અંબાલાલ પટેલ જ્યારે પોતાના માદરે વતન આવ્યા અને મિત્રને ત્યા હિંમતનગર જવાનુ થયું હતું. જ્યા તેઓએ પક્ષીઓ માટેનું આકર્ષક પક્ષીઘર જોતા તેઓને પ્રેરણા મળી કે મારા ગામમા પણ આવુ પક્ષી ઘર બનાવવું છે. ત્યાર બાદ પંચાયત પાસે જમીનની માંગણી કરી અને પંચાયતે જમીન આપતા એક જ મહિનામા આ પક્ષીઘર તૈયાર કરી દેવામા આવ્યું, જ્યા આજે હજારો પક્ષીઓને પોતાનું ઘર મળ્યું છે.
પક્ષીઘરની આ ઇમારત ચરોતરની આગવી ઓળખ બની છે. 70 થી વધુ ફૂટની ઉંચાઇ ધરાવતા આ પક્ષીધરમાં ચારેય તરફ પક્ષીઓ માળા બનાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અનોખુ પક્ષીધર આજે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે