શું આ આગાહીથી ગુજરાત થથરી જશે? સંકટ બનીને આવેલા કમોસમી વરસાદ વચ્ચે ફરી મોટી આગાહી
ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. ઉત્તર ભારતના આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીની આગાહી છે. વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. તો બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થશે તેમ જણાવ્યુ છે.
આજથી રાજ્યના ભાગોમાં ઠંડીના નવા રાઉન્ડની શરુઆત થઇ જશે. ઉતર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે. બનાસકાંઠા મહેસાણામાં ઠંડીની અસર વધુ અનુભવાશે. ઘણા ભાગમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી થવાની શક્યતા રહેશે. રાત્રી અને વહેલી સવારે લઘુતમ તાપમાન નીચુ જઈ શકે.
શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે. આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે. ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18,19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21થી લઇને 26 ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. આ કડકડતી ઠંડી નહીં હોય સામાન્ય ઠંડી હશે. આમાં પણ મિક્સ ઋતુ તો જોવા મળશે જ. રાત્રિના સમયે ખૂબ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે દિવસનું તાપમાન નોર્મલ કરતાં એક-બે ડિગ્રી વધુ રહેશે.
આગાહી મુજબ, કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ 15થી 20 પ્રતિકલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની રહેશે. આ કારણે ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી એ વાત તો સાચી છે. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.
ગઈકાલે બનાસકાંઠાના થરાદ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું. મોડી સાંજ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
તો આજે વહેલી વસારથી જ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. વહેલીસવારથી અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. ધુમ્મસના પગલે હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આવા માહોલમાં વરિયાળી, જીરુ, ઘઉં, બટાકા જેવા પાકને મોટુ નુકસાન થઈ શકે છે. 2 દિવસથી બદલાયેલા મોસમના મિજાજે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.