વિદાય લેતો શિયાળો ગુજરાતને ફરી ઠંડીથી ઠુંઠવાશે! ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ, દરેકને પડી શકે છે આ તકલીફ
રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. હવાની દિશા બદલાતી હોવાથી આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે, કારણ કે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, તો આગામી 5 દિવસ માટે સૂકું વાતાવરણ રહેશે અને 3 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે.
ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું જણાવ્યુ છે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યુ છે.
ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઠંડી ખતમ થવાને આરે છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે. જો કે આ બધા વચ્ચે વરસાદ અને હિમવર્ષાએ બધાને ચોંકાવી દીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) નું કહેવું છે કે વરસાદ અને હિમવર્ષાનો સિલસિલો કેટલાક દિવસ સુધી ચાલુ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી વિસ્તારોમાં 24 ફેબ્રુઆરીએ જોવા મળી શકે છે. જેના કારણે શનિવારથી લઈને મંગળવાર સુધી વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને પશ્ચિમી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન....
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં પવનની દિશા બદલવાવવાની સાથે હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના વાયરા ફૂંકાઈ રહ્યા છે. પશ્ચિમ તરફથી આવતા ભેજવાળા પવનના કારણે અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં બુધવારની સરખામણીમાં ગુરુવારે 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. બે દિવસ બાદ ફરીથી તાપમાન વધવાની શક્યતા છે.