Matrimonial પર તમે જીવનસાથી શોધી રહ્યા છો? જો જો લગ્નના ઉન્માદમાં છેતરાતાં નહીં
મેટ્રોમોનિયલ સાઈટ પર જ્યારે પણ કોઈ યુવક કે યુવતી પ્રોફાઈલ બનાવે છે તેની માહિતી સાચી છે કે ખોટી તેની ખરાઈ કરવી જરૂરી છે. જે તે સાઈટ પર પણ આ માહિતી અંગે અમે કોઈ જવાબદારી નથી લેતા તેવું સૂચન પણ લખવામાં આવે છે. તેથી આવા કોઈ ફેક એકાઉન્ટ છે કે નહીં તેની ખાસ ચકાસણી કરજો. જો તમને સામેવાળા પાત્રએ આપેલી માહિતીમાં થોડી પર શંકા જાય તો તે ક્લિયર કરજો અથવા આવી વ્યક્તિથી આગળ વાત કરવાનું ટાળજો.
મેટ્રોમોનિયલ સાઈટ્સ પર કેટલાક લોકો ફેક એકાઉન્ટ બનાવે છે અને સમયાંતરે તેમાં માહિતી કે પચી ફોટોમાં કઈકને કઈક બદલતા રહે છે. જો તમે કોઈ પાત્ર પસંદ કર્યું છે અને તમારા ધ્યાને આવે છે કે તે વારંવાર પોતાની પર્સનલ ડિટેઈલ, શોખ, જાતિ અને નોકરી બદલી રહ્યો છે. સાથે જ ફોટો પણ બદલી રહ્યો છે તો સાવચેત થઈ જજો. કારણ કે આવી વ્યક્તિ ખોટી માહિતી મૂકતી હોવાથી નક્કી નથી કરી શકતી કે મેટ્રોમોનિયલ સાઈટ્સ પર કઈ માહિતી યોગ્ય લાગશે. અને શિકારને ફસાવવા વારંવાર પ્રોફાઈલની ડિટેઈલ બદલતો રહે છે.
વધુ પડતા કિસ્સામાં યુવતીઓ મેટ્રોમોનિયલ સાઈટ્સ પરથી યુવકોનો સંપર્ક કરી તેમને ફસાવી રૂપિયા પડાવી લેતી હોય છે. જ્યારે ભેજાબાજ યુવાનો લગ્નના નામે યુવતીઓનું ના માત્ર શારીરિક શોષણ કરે છે પણ તેમની પાસેથી પૈસાની માગણી પણ કરે છે. અનેક કિસ્સામાં લાખો રુપિયા ખંખેર્યાનું સામે આવ્યું છે. આ મુસીબતમાંથી બચવાનો એક જ ઉપાય છે કે જો તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરો અને થોડા સમયમાં જ તે રૂપિયાની ડિમાન્ડ કરે અથવા રૂપિયા અંગે કઈ વાત કરે તો સાવધાન થઈ જજો. કારણ કે આવી વ્યક્તિ માત્ર રૂપિયા માટે જ તમારો સંપર્ક કરતી હોય છે.
મેટ્રોમોનિયલ સાઈટ્સ પરથી સંપર્ક થયા બાદ એવું બની શકે કે અજાણી વ્યક્તિ જલદી શિકારની શોધમાં ફરતો હોય છે. જેવી કોઈ વ્યક્તિ જીવનસાથી તરીકે તેનામાં રસ દેખાડે તો અને જો તમારા પર વધુ હાવિ થવાનો પ્રયાસ કરે અને તમને વારંવાર એકલા મળવા દબાણ કરે તો સાવધાન થઈ જજો. બની શકે તો મળવા માટેનું દબાણ કરવામાં થોડી પણ કોઈ ગંધ આવે તો એ અજાણી વ્યક્તિથી અંતર બનાવી લેજો.
તમે જ્યારે કોઈ વ્યક્તિને મળ્યા નથી તેના પરિવારને મળ્યા નથી. તેમ છતાં સામેવાળી વ્યક્તિ તમને લગ્ન માટેની 100 ટકા બાંહેધરી આપે છે તો પણ તેના પર ભરોસો રાખતા પહેલા સો વખત વિચાર કરજો. તેની સાથે મોબાઈલ મારફતે પણ કોઈપણ પ્રકારના ફોટો કે વીડિયોની પણ આપલે કરશો નહી. કોઈ લવ લેટર કે ફિલીંગ્સ પણ જ્યાં સુધી તમે તમામ બાબતોમાં નિશ્વિત ન થઈ જાઓ ત્યાં સુધી મોબાઈલમાં પણ લખવાનું ટાળજો.
ઘણી વાર બાહ્ય દેખાવ અને સારી સારી લખેલી માહિતીથી જીવનસાથી પર ઉતાવળમાં પસંદગીનો કળશ ઢોળી નાખનારા આજના યુવાનોએ ખાસ ચેતવવાની જરૂર છે. કારણ કે ઘણાં ભેજાબાજ યુવક અને યુવતીઓ તમારી લાગણી સાથે રમત રમવા માટે તૈયાર જ બેઠા છે. જેવા તમે તેમની વાતોમાં ફસાયા તો તમને બરબાદ કરીને છોડવામાં કઈ જ બાકી રાખે નહીં.