અરવલ્લીના ખેડૂતનો દેશી જુગાડ કામ કરી ગયો, જાતે બનાવી સેલિબ્રિટી જેવી કેમ્પર વેન
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામના ખેડૂતે પોતાની કોઠાસૂઝથી સોલાર પેનલોની મદદથી વિદેશમાં જોવા મળતી કેમ્પર વાન બનાવી છે.તો આવો જોઈએ કેવી છે આ કેમ્પર વાન
ચોઈલા ગામના વતની ૬૧ વર્ષીય ખેડૂત અમૃતભાઈ મંગળભાઈ પટેલ ખેતીની જમીન ધરાવે છે. તેઓએ એફવાય બી કોમ અભ્યાસ કર્યો હતો. તેમજ આઈટીઆઈ કર્યા બાદ વાયરમેનનું પણ કામ કર્યું હતું. હાલ તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત બોરવેલ બનવવાની કામગીરી પણ કરે છે. બોરવેલની કામગીરી ઉનાળામાં કરવામાં આવતી હોય ત્યારે ૪૦ થી ૪૫ ડિગ્રી જેટલા તાપમાનમાં સતત હાજર રહીને બોરવેલનું કામ કરવામાં આવતું હોય છે. જેના કારણે ગરમી અને તાપમાં લુ લાગવી તેમજ ચામડીને અસર થવી જેવી સમસ્યા થાય છે. આવામાં આરામ માટે તેઓએ સેલિબ્રિટી જેવી કેમ્પરવાન બનાવવાનું વિચાર્યું.
સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતા સિદ્ધાંત પર આધારિત દેશી કેમ્પરવાન બનાવવામાં આવી છે. રૂપિયા ત્રણ લાખના ખર્ચે કેમ્પર વાન બનાવી છે. છોટા હાથના પાછળનું કેરેજ કાઢી તેમાં રૂમ બનાવી રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ્પર વેનમાં એસી, પંખો, લાઈટ, રસોઈ બનાવવા માટે ઈલેક્ટ્રીક સગડી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ્પર વાનની ઉપર લગાવવામાં આવેલી ચાર સોલાર પેનલોથી બેટરી ચાર્જ થાય છે. જેનાથી અંદર લગાવવામાં આવેલા વીજ ઉપકરણો ચાલે છે. ગાડીમાંથી એન્જિન , રેડિયેટર, સાઇલેન્સર, ડીઝલ ટાંકી હટાવી દેવામાં આવી છે અને સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતી મોટર લગાવવામાં આવી છે જેનાથી ગાડી ચાલે છે.