ગુજરાતી ખેડૂતોના ઘરોમાં કંસાર બન્યો, હળોતરાનું મુહૂર્ત સાચવીને પરંપરા જાળવી
અરવલ્લીમાં અત્ર..તત્ર..સર્વત્ર.. ખેડૂતો ભાઈઓએ ભારે ઉમંગ સાથે પોતાના ખેતી ઓજારો, હળ તૈયાર કરી, બળદોના શિંગડા રંગી, નવા પોષાક પહેરી, ખેતરે સાગમટે હળ જોડીને જઈને ખેતીનું મુહુર્ત કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને જિલ્લાના ઈસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એકસાથે જ હળ જોડીને ગામ નાજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત સાગમટે કર્યું હતું.
ખેડૂત વીરાભાઇ પટેલ કહે છે કે, આજે ખેતીમાં ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેકટર હોય પણ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને જ કરતા હોય છે. આજે દરેક ગામે.. ખેડૂતો સાગમટે નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા અને ગામના કોઈપણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યાં હતા અને નવા વર્ષની ખેતીનું મુહુર્ત કર્યું હતું.
ભૂમિપુત્રો નવા પોષાક પહેરી અને બળદોને સજાવીને અને લાકડાના હળને કુમકુમ તિલક કરી, બળદના શિગડા રમજીના રંગથી રંગીને, મોં મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ઘરેથી નીકળી ખેતરે ગયા હતા. જ્યાં બધા જ એક સાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ધાન્ય ઘઉં, મકાઈ, બાજરી, મઠ, મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો.
વીતેલા વર્ષમાં પકવેલા પાકોના ભાવ નહિ મળ્યાનું દુખ છે. છતાં આજે નવા વર્ષનો ઉમંગે પ્રારંભ કર્યા પછી ઘરે આવી આખા વર્ષની ખેતીનું આયોજન કર્યું હતું. વીતેલા વર્ષનું સરવૈયું માંડીને અને નવા વર્ષની ખેતી વાવેતર અને પાકનું આયોજન કરવા સાથે ખેતી માટે કામે રાખેલ મજુરોના હિસાબો કરી નવા વર્ષનું કામ સોંપવાના કામમાં પરોવાયેલા જોવા મળ્યા હતા. જોકે અખાત્રીજ એટલે ખેડૂતો માટે મહત્વનો દિવસ ગણવામાં આવે છે. ત્યારે આજના પાવન દિવસે ખેડૂતોએ ખેતીના મુહૂર્ત સાથે ધરતી માતાનું પણ પૂજન અર્ચન કરી વર્ષો જૂની પરંપરા નિભાવી હતી.