‘રાવણ’ ની રામભક્તિ, અરવિંદ ત્રિવેદીએ ઘરના દરેક ખૂણામાં રામ વસાવ્યા હતા, તસવીરો આપે છે પુરાવો

Wed, 06 Oct 2021-2:10 pm,

ગુજરાતી ફિલ્મના દિગ્ગજ મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું નિધન થતા લોકો તેમના નિવાસસ્થાન ‘અન્નપૂર્ણા’ ખાતે આવીને દર્શન કરી રહ્યા છે. રામાયણ (Ramayan) સિરિયલમાં જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું તે અરવિંદ ત્રિવેદી હકીકતમાં મોટા રામ ભક્ત છે, તેમણે તેમણે કથાકાર મોરારી બાપુના હસ્તે ઘરમાં રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ 'રામાયણ' સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987 માં ટેલિકાસ્ટ થયો હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓેએ ખૂબ જ ખ્યાતિ મેળવી હતી. અને ત્યારથી જ તેઓ રામની પૂજા કરવા લાગ્યા હતા. દર રામનવમી એ ઈડર આવીને રામ પૂજા કરવી તેમનો ક્રમ બન્યો હતો. આ દિવસે તેઓ સુંદરકાંડનું પણ આયોજન કરતા, જેમાં મોટી સંખ્યામાં ઈડરવાસીઓ આવતા.   

અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના વતની હતા. કુંકડીયા ગામ ખાતે તેમનુ જુનુ મકાન હાલ પણ હયાત છે. તો તેમનો બંગલો ઈડર રોડ પર પણ છે. તેમના ઘરની દેખરેખ રાખતા સજ્જનબેન ઠાકોર જણાવે છે કે, અરવિંદભાઈ વર્ષમાં 7 થી 8 વખત અન્નપુર્ણા બંગલો ખાતે આવતા. તેમણે પોતાના બંગલાની દિવાલ પર શિવ તાંડવ લખાવ્યો છે. તો તમામ જગ્યાએ રામ લખેલ છે. આ ઉપરાંત પટાંગણમાં જ લંકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરી છે. 

અરવિંદ ત્રિવેદી પૂર્વ સાંસદ પણ રહી ચુક્યા છે. તો તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી (Updendra Trivedi) પણ ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતા. અને અનેક વાર તેઓ ઈડર ખાતે આવતા બંને ભાઈઓ સાથે આવીને રામની પૂજા કરતા હતા. પરંતુ ઉપેન્દ્રભાઈના અવસાન બાદ અરવિંદ ત્રિવેદી એકલા પડી ગયા હતા અને આજે તેઓએ પણ દુનિયાને અલવીદા કરી દીધી. અહીં રહેતા લોકો તેમને દાદા કે સાહેબના હુલામણા નામથી બોલાવતા. સેવાભાવી અરવિંદ ત્રિવેદી અંબાજી જતા પદયાત્રીઓની પણ સેવા પણ કરતા હતા તેવુ તેમના મિત્ર સંજય પંડ્યાએ જણાવ્યું.   

અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 થી વધુ ગુજરાતી ફિલ્મો તથા અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેથી તેમને ગુજરાતી ફિલ્મના ભીષ્મ પિતામહ કહેવામાં આવતા હતા. હવે તેમણે પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને દુનિયાને અલવિદા કહી છે, પરંતુ લોકોની યાદોમાં તો હંમેશા માટે અમર જ રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link