‘લંકેશ’ની વિદાયથી ગુજરાતી ફિલ્મોના એક યુગનો અંત, રિયલ લાઈફમાં શિવભક્ત નહિ પણ રામભક્ત હતા અરવિંદ ત્રિવેદી
અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મૂળ વતન ઈડરના કુકડિયા ગામ છે. 1991થી 1996 સુધી સાંસદ સભ્ય તરીકે પણ તેઓ રહ્યા અને 2002માં ભારતીય સેન્સર બોર્ડના કાર્યકરી ચેરમન રહ્યા હતા. અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પણ નસીબ તેમને અભિનયની દુનિયામાં લઈ આવ્યુ હતું. તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર હતાં.
અરવિંદ ત્રિવેદી ખૂબ મોટા રામ ભક્ત હતા અને તમણે પોતાના ઘરમાં મોરારી બાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. રામાનંદ સાગરની 'રામાયણ'માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બની ગયા હતાં. ત્યાર બાદ તેઓ 'લંકેશ'નાં નામથી ઓળખાવા લાગ્યા હતાં.
અરવિંદ ત્રિવેદીએ રામાયણ સિરિયલ ઉપરાંત 'સંતુરંગીલી', 'હોથલ પદમણી', 'કુંવર બાઇનું મામેરૂં', 'જેસલ-તોરલ' અને 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. આ ઉપરાંત તેમણે 'પરાયા ધન', 'આજ કી તાજા ખબર' જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.
તેમને ગુજરાત સરકારથી લઇને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યાં છે. 'રામાયણ'નાં આ નાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં સફળ રહેલાં અરવિંદ હાલ અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે અને લંકેશની વિદાયથી એક યુગનો અંત આવ્યો છે.
રામાનંદ સાગરે બનાવેલી રામાયણમાં જે લંકેશ લોકોના દિલોદિમાગમાં છવાયેલા છે, તે આજે પણ એવા છે. લોકો આજે પણ અરવિંદ ત્રિવેદી વગર બીજા કોઈ પાત્રને રાવણના પાત્રમાં જોવા માંગતા નથી. તેઓ ઘરે ઘરે એટલા પોપ્યુલર થઈ ગયા હતા કે, રાવણ વધનો એપિસોડ આવ્યો ત્યારે દેશભરના કરોડો દર્શકોમાં રીતસરનો સોપો પડી ગયો હતો. રાવણનો વધ થયો ત્યારે આખો દેશ રડ્યો હતો.