Taj Mahal Controversy: તાજ મહેલના 22 રૂમ પર વિવાદ વચ્ચે ASI એ બહાર પાડ્યા આ મહત્વના Photos
Taj Mahal Controversy: ભારતનો તાજ મહેલ દુનિયાના અજુબાઓમાં સામેલ છે અને દેશ વિદેશથી લોકો આ અજુબાને જોવા માટે આગ્રા ઉભરાય છે. મોટી સંખ્યામાં પર્યટકો આ તાજ મહેલ તરફ આકર્ષાય છે અને ભારતનું આગળ પડતું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે.
હાલ તો આગ્રાના તાજ મહેલને લઈને ઘમાસાણ મચેલું છે. આ બધા વચ્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ આ રૂમની કેટલીક તસવીરો બહાર પાડી છે. અત્રે જણાવવાનું કે તાજ મહેલના જે 22 રૂમ બંધ પડેલા છે તેને લઈને વિવાદ છે. આ અંગે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને કહેવાયું હતું કે ત્યાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ સંલગ્ન તપાસ માટે રાજ્ય સરકારને સમિતિ બનાવવા માટે નિર્દેશ આપવામાં આવે.
અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે હાલમાં જ ડો. રજનીશકુમાર તરફથી દાખલ કરાયેલી 22 રૂમને ખોલવા સંલગ્ન જનહિત અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદે ASI દ્વારા આ તસવીરો શેર કરાઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બંધ રૂમમાં પ્લાસ્ટર અને ચૂનાના પેનિંગ સહિત રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હતું. આ કામમાં લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ એએસઆઈના એક વરિષ્ઠ અધિકારીનું આ મામલે કહેવું છે કે માત્ર તાજ મહેલ નહીં પરંતુ આ પ્રકારનું સંરક્ષણ કાર્ય ધરોહર મૂલ્ય ધરાવતા તમામ સંરક્ષિત સ્થળો પર કરવામાં આવે છે. આ માટે જરૂરિયાત પ્રમાણે છત અને ભોયરા સુધી પહોંચવામાં આવે છે જે રીતે તાજમહેલના ભોયરાના રૂમોમાં સંરક્ષણ કાર્ય કરાયું હતું.
તાજ મહેલના મુખ્ય મકબરા નીચે ભોયરામાં આવેલા રૂમો હાલ ખુબ ચર્ચામાં છે. જેને લઈને ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના ભાજપના મીડિયા પ્રભારીએ 4 મેના રોજ હાઈકોર્ટની લખનઉ બેન્ચ સમક્ષ અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું હતું કે તાજ મહેલના લગભગ 20 રૂમ બંધ છે અને કોઈને પણ અંદર પ્રવેશવાની મંજૂરી નથી. એવું મનાય છે કે આ રૂમમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે.