Asia Cup 2023: પાકિસ્તાન સામેની મેચમાં થશે મોટા ફેરફાર, આ નવા નંબર પર બેટીંગ કરી શકે છે વિરાટ કોહલી
કેએલ રાહુલની ગેરહાજરીમાં ઈશાન કિશન એશિયા કપ 2023માં વિકેટ-કીપર બેટ્સમેનની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, પરંતુ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચ પહેલા આ ડાબોડી બેટ્સમેનના બેટિંગ ઓર્ડરને લઈને મૂંઝવણ છે. રાહુલ એશિયા કપની પ્રથમ બે મેચ માટે ઉપલબ્ધ નહીં હોય અને એવામાં ઈશાન કિશનને પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતની છેલ્લી ODI સિરિઝમાં તેણે શુભમન ગિલ સાથે ઈનિંગની શરૂઆત કરી અને સારી છાપ છોડી હતી.
ઈશાન કિશને તે સિરિઝની ત્રણ મેચમાં 61.33ની એવરેજથી 184 રન બનાવ્યા હતા. તેણે 52, 55 અને 77 રનની અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જોકે, રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો. હવે જ્યારે રોહિતની વાપસી થઈ છે તો ઓપનિંગ બેટ્સમેન તરીકે તેની એન્ટ્રી નિશ્ચિત છે અને એવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટે કિશનના બેટિંગ ઓર્ડર વિશે વિચારણા છે. કિશને ઇનિંગની શરૂઆત કરતા સારો દેખાવ કર્યો હતો. ગયા વર્ષે તેણે બાંગ્લાદેશ સામે ઓપનિંગ બેટ્સમેન તરીકે બેવડી સદી ફટકારી હતી.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે કિશનને ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવા જોઈએ, કારણ કે તેની બિંદાસ બેટિંગથી તે ભારતને શરૂઆતમાં મજબૂત સ્થિતિમાં લાવી શકે છે. જો કિશન ઇનિંગની શરૂઆત કરશે તો ગિલને ત્રીજા નંબરે અને વિરાટ કોહલીએ ચોથા નંબર પર બેટિંગ કરવી પડશે. આનો અર્થ એ થશે કે ઈજામાંથી પરત ફરેલ શ્રેયસ ઐય્યર પાંચમા નંબરે બેટિંગ કરશે. એવામાં હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર રહેશે અને ટીમમાં સૂર્યકુમાર યાદવ માટે કોઈ સ્થાન નહીં હોય.
સૂર્યકુમાર હજુ સુધી વન-ડેમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ તેની કુશળતા જોઈને તેને ટીમમાં રાખવામાં આવ્યો છે. જો ટીમ મેનેજમેન્ટ તેને પ્લેઈંગ 11માં રાખવા ઈચ્છે છે તો ઐય્યરને મેદાનમાં પરત ફરવા માટે થોડી રાહ જોવી પડી શકે છે. આ સિવાય ભારત બીજા વિકલ્પ પર કામ કરી શકે છે. તે ત્રીજા નંબરે કિશનને મેદાનમાં ઉતારી શકે છે, ત્યારબાદ કોહલી ચોથા નંબરે અને અય્યર પાંચમા નંબરે બેટિંગ કરશે. આવી સ્થિતિમાં રોહિત અને ગિલ ઇનિંગ્સની શરૂઆત કરશે.
કિશનને મિડલ ઓર્ડરમાં પણ મેદાનમાં ઉતારી શકાય છે. ચોથા નંબર પર બેટિંગ કરતા તેણે અત્યાર સુધી રમેલી ચાર ઇનિંગ્સમાં બે અડધી સદી ફટકારી છે. તેને પાંચમા નંબર પર પણ મેદાનમાં ઉતારી શકાય છે પરંતુ તેણે અત્યાર સુધી રમાયેલી 17 વનડે મેચોમાં તે આ નંબર પર બેટિંગ કરવા આવ્યો નથી.