Asian Games 2023: ચીનમાં એશિયન ગેમ્સનો રંગારંગ પ્રારંભ, જુઓ ઓપનિંગ સેરેમનીની Photos
એશિયન ગેમ્સ 2023નો ઉદઘાટન સમારોહ હેંગઝોઉના ઓલિમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર સ્ટેડિયમમાં યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહ્યા હતા. આ વખતે એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી રમાશે.
એશિયન ગેમ્સ 2023માં ભારતમાંથી કુલ 655 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જે દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. ભારતીય ખેલાડીઓ કુલ 40 ઈવેન્ટમાં પડકાર આપશે. આ ગેમ્સમાં 45 દેશોના 12000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
ગત વર્ષે 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન 9મી એશિયન ગેમ્સ યોજાવાની હતી, પરંતુ ચીનમાં કોરોના વાયરસના કેસ વધ્યા બાદ આ ગેમ્સ મોકૂફ રાખવામાં આવી હતી. ચીનમાં આ ત્રીજી વખત એશિયન ગેમ્સ યોજાઈ રહી છે.
ભારતીય ટુકડીનું નેતૃત્વ ધ્વજવાહક હરમનપ્રીત સિંહ, પુરૂષ હોકી ટીમના કેપ્ટન અને બોક્સર લોવલિના બોર્ગોહેને એથ્લેટ્સની પરેડમાં કર્યું હતું. જો કે ટીમમાં 625 ખેલાડીઓ, 260 કોચ અને અન્ય સહાયક સ્ટાફ સહિત 921 સભ્યોનો સમાવેશ થાય છે, પરંતુ તેમાંથી માત્ર 200 જ સમારંભમાં હાજર રહ્યા હતા.
ભારતના 655 ખેલાડીઓમાંથી 332 પુરૂષો અને 323 મહિલા છે. ભારતની એથ્લેટિક્સ ટીમમાં 68 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે શૂટિંગ અને રોઇંગમાં 33-33 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે. આ સાથે જ PM નરેન્દ્ર મોદીએ પણ એશિયન ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.