અમદાવાદના આંગણે કરોડોની કારનું પ્રદર્શન, ટેકનોલોજી જોઈને આંખો અંજાઈ જશે
ભારત વાહનો માટે એક વિશાળ બજાર છે અને લક્ઝરી કાર માટે ખૂબ જ ઊંચી સંભાવના ધરાવે છે. આ સંભાવનાઓને પૂરી કરવા અને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુસર એવર મીડિયા દ્વારા જેડ બેંક્વેટ ખાતે 18 અને 19 ફેબ્રુઆરીના બે દિવસીય લકઝરી કાર શો ‘Auto de-luxe’ ની શરૂઆત કરી છે. જેમાં ફ્રી રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. આ શોનું બીજેપી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શોમાં એસ્ટન માર્ટિન, ફરારી, લેક્સસ, સિટ્રોન, જગુઆર, જીપ, લેન્ડ રોવર, મર્સિડીઝ, મોરિસ ગેરેજ, સ્કોડા, વોલ્વો કાર બ્રાન્ડ અને બાઈક બ્રાન્ડમાં હાર્લી ડેવિડસન, ટ્રાયમ્ફ મોટરસાયકલ્સ, કાવાસાકીના લેટેસ્ટ મોડેલ રજુ કરવામાં આવ્યા હતા. અલગ અલગ 13 બ્રાન્ડેડ કંપની લક્ઝુરિયસ કાર ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. જેમાં 45 લાખથી લઈ 7 કરોડ સુધી લક્ઝુરિયસ કાર જોવા મળશે.
લક્ઝરી કાર શોમાં પહેલી વખત એસ્ટન માર્ટિનની ડીબી એક્સ નામની મોડલ કાર અમદાવાદમાં જોવા મળી. આ ગાડી માત્ર એક ટચથી ઓપરેટ થાય છે, જેની બજાર કિંમત 5 કરોડ રૂપિયા છે. સાથે જ ફરારી રોમા ગાડી પણ 7 કરોડની કિંમત કાર ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. જો કે બે દિવસીય લક્ઝરી કાર શોમાં અમદાવાદીઓને આ વખતે લક્ઝરી કારની સાથે બાઈક પણ જોવા મળ્યા છે. જેથી યુથમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારત વાહનોનું એક મોટું બજાર છે અને તેમાં લક્ઝરી કાર માટેની ખૂબ જ ઊંચી માંગ જોવા મળે છે. જ્યારે દેશમાં લક્ઝરી કાર માર્કેટમાં પ્રવેશ સ્તર ઓછું છે, પરંતુ અગ્રણી લક્ઝરી કાર ઉત્પાદકો બજારની સંભાવના પર વિશ્વાસ મૂકી રહ્યા છે. આવામાં એસ્ટન માર્ટિન, ફરારી, જેવી લક્ઝરી બ્રાન્ડ્સ સાથે અમદાવાદ આવતા લોકો પણ ખુબજ ઉત્સાહિત હતા. કેમકે તેમના માટે ગુજરાત મહત્વનું ફોકસ છે. ગુજરાતના લોકો લક્ઝુરિયસ કાર અને ઈન્સ્પિરેશનલ બાઈક બ્રાન્ડ્સના શોખીન છે.
કાર શોના આયોજક સૌરીન બાસુએ જણાવ્યુ કે, મહત્વનું છે કે 2020 માં વૈશ્વિક લક્ઝરી કાર માર્કેટનું મૂલ્ય લગભગ 410 બિલિયન યુએસડી હતું. જે આગામી સમયમા એટલે કે વર્ષ 2021-2026 દરમિયાન અંદાજે 5% ની સીએજીઆર સાથે 2026માં બજાર વધીને 566 બિલિયન યુએસડી થવાનો અંદાજ છે. ત્યારે લક્ઝરી કાર બનાવનાર કંપની પણ બહેતર પર્ફોર્મન્સ ક્ષમતાઓ, સારા ઈન્ટિરિયર્સ, તમામ નવીનતમ સલામતી અને ટેક્નોલોજી સુવિધાઓથી સજ્જ કાર ઉપલબ્ધ કરાવી કરી છે. ખાસ આ લક્ઝરી કાર માર્કેટ વાહન પ્રકાર, ડ્રાઇવ પ્રકાર અને ભૂગોળ દ્વારા વિભાજિત થયેલ છે. વાહન પ્રકારના વિભાજનમાં હેચબેક, સેડાન અને એસયુવીનો સમાવેશ થાય છે. જ્યારે ડ્રાઇવ પ્રકારના વિભાજનમાં આઈસી એન્જિન અને ઇલેક્ટ્રિકનો સમાવેશ થાય છે. જો કે લક્ઝરી કારના ઘટકોના ઉત્પાદકો આગલી પેઢીની સ્માર્ટ મોબિલિટી ટેક્નોલોજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. જેમ કે સ્વાયત્ત ડ્રાઇવિંગ, વ્યક્તિગત અવાજ સહાય અને રેટિના ઓળખ, જે આગાહીના સમયગાળા દરમિયાન લક્ઝરી ઈવી ના વેચાણને પણ વેગ આપે તેવી અપેક્ષા છે.