શું બજાર તૂટે ત્યારે શેર લેવાય? શું છે એવરેજિંગ? નફા-નુકસાન અંગે શું છે નિષ્ણાતોનો મત
Averaging in Stock Market: સામાન્ય રીતે લોકોમાં એવી ધારણા હોય છેકે, શેર બજાર તૂટે ત્યારે જ શેર લેવાય. હાલ માર્કેટમાં મોટો કડાકો છે, જેને કારણે લાખો લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એવામાં ઘણા લોકો આને રોકાણ કરવાનો મોકો ગણાવી રહ્યા છે. જ્યારે પણ બજારમાં મોટો ઘટાડો થાય છે, ત્યારે શેરોમાં 'એવરેજિંગ' કરવાની પણ તક હોય છે. હવે ઘણા લોકોને એ નહીં ખબર હોય કે આ એવરેજિંગ શું છે?
સામાન્ય રીતે એવું હોય છેકે, ગમે ત્યારે બજાર તૂટે તો શેરના ભાવ ઘટે અને શેર તમને સસ્તામાં મળી જાય. મહદઅંશે આ વાત સાચી છે. જોકે, દર વખતે આ ગણિત સાચુ પડતું નથી. ત્યારે એ પણ જાણવા જેવું છેકે, બજાર તૂટે ત્યારે નવા શેર લેવાય કે નહીં? આ અંગે શું કહે છે નિષ્ણાત...
હાલમાં શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેનું કારણ છે અમેરિકામાં મંદી અને સમગ્ર વિશ્વમાં વધતા જિયો-પોલિટિકલ ટેન્શનને કારણે વૈશ્વિક શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો છે અને રોકાણકારોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એવા સમયે આ કડાકા વચ્ચે એવરેજિંગ કરાય કે ન કરાય?
બજાર તૂટે ત્યારે ઘણાં તમને એવરેજિંગ કરવાની સલાહ આપતા હોય છે. અત્યારે તો એવરેજિંગ કરવા જેવું છે. ત્યારે સવાલ એ થાય કે, આ એવરેજિંગ શું છે...જ્યારે પણ બજારમાં મોટો ઘટાડો થાય છે, ત્યારે શેરોના ભાવ નીચે જાય છે. એવા સમયે તમારી પાસે જે શેર હોય એ શેરના ભાવ એના કરતા નીચે જાય તો એજ કંપનીના બીજા વધારે શેર લઈને તમે તમારા શેરનો એવરેજ ભાવ ઓછો કરી શકો છો. જેના કારણે તમને શેરની સરેરાશ કિંમત સસ્તી પડી શકે છે. જેને એવરેજિંગ કહેવામાં આવે છે. એક લાઈનમાં કહીએ તો 'એવરેજિંગ' એટલે તમારા પોર્ટફોલિયોમાં સમાન શેરોને ઓછી કિંમતે ખરીદીને ઉમેરવા...
દા.ત., તમારી પાસે કોઈ કંપનીના 100 શેર છે અને એક શેરની કિંમત 120 રૂપિયા છે. જો હવે બજાર તૂટે છે અને એજ શેર તમને 80 રૂપિયામાં મળે છે. તો તમે બીજા શેર ખરીદીની તમારા પોટફોલિયોમાં શેરની એવરેજ પ્રાઈઝ એટલેકે, સરેરાશ કિંમત ઘટાડીને એવરેજિંગ કરી શકો છો. પછી જ્યારે બજાર ઉપર જશે ત્યારે તમને એમાંથી ઝડપથી નફો મેળવી શકશો.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છેકે, શેરબજારમાં ઘટાડા ટાણે સ્ટૉકમાં 'એવરેજિંગ' કરવું ફાયદાકારક હોય છે. જોકે, તેમાં જો તમે કેટલી બાબતોનું ધ્યાન ન રાખો તો મોટું નુકસાન પણ થઈ શકે છે. હાલની જ વાત કરીએ તો હાલ માર્કેટમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. હાલ જે શેર તમારી પાસે હશે એ શેરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શું હાલ સસ્તામાં મળતા એ જ કંપનીની શેર બીજા લેવાય કે પછી હજુ પણ ભાવ નીચે ગગડી જવાનો ડર રહી શકે છે? શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જો કે ઘણા લોકો આને રોકાણ કરવાનો મોકો ગણાવી રહ્યા છે. જ્યારે પણ બજારમાં મોટો ઘટાડો થાય છે, ત્યારે શેરોમાં 'એવરેજિંગ' કરવાની પણ તક હોય છે.
સ્ટોક માર્કેટ એક્સપર્ટનું માનવું છેકે, એવરેજિંગ એ સારી બાબત છે. પરંતુ તમારી પાસે કયા સ્ટોક છે, એ સ્ટોક સારા છેકે, નહીં એ પણ ચેક કરવાની જરૂર છે. ઊંધુ ઘાલીને શેરનો ભાવ ઘટ્યો એટલે એજ કંપનીના બીજા શેર લેવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. જો તમે નબળા શેરોમાં 'એવરેજિંગ' કરશો તો તમારા પૈસા ફસાઈ જશે, એટલા માટે ચોક્કસપણે કંપનીની બેલેન્સ શીટ, બિઝનેસ મોડલ, મૂલ્યાંકન અને આઉટલુક જુઓ. તેથી હંમેશા કંપનીના ફંડામેન્ટલ્સ જોયા પછી જ એવરેજિંગ કરવું ફાયદાકારક છે.