હાય રે અંધશ્રદ્ધા!!! સત્યતાના પુરાવા માટે શરીરમાં મોટો સોયો ભોંકીને ગોળ ગોળ ફેરવાય છે
રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારમાં વસતા આદિવાસીઓમાં હોળીનું વિશેષ મહાત્મય રહેલું છે. તેથી જ સમગ્ર વર્ષ દરમિયાન પેટીયું રળવા અને ધંધો–નોકરી માટે તેઓ કોઈપણ પ્રાંતમાં ગયા હોય, પણ હોળી કરવા તેઓ માદરે વતન પરત ફરે છે અને હોળી પૂર્વે અને પશ્ચાત યોજાતા ભંગુરીયા, ચૂલ, ગોલ્ફેર્યું અને ગેરનાં મેળાની ઉજવણી કરવામાં આવે છે. આ મેળાઓમાં આજે પણ વર્ષો જૂની પરંપરા અને સંસ્કૃતિનું અનુકરણ જોવા મળે છે. આજે પણ ગામડાઓમાં બડવા ભુવાઓનું પ્રભુત્વ જોવા મળે છે. લોકો પોતાના ઉપર આવી પડેલ કુદરતી આફત, દુ;ખ, મુશ્કેલી કે બીમારીનાં સમયે સૌ પ્રથમ તેના ઉકેલ-ઈલાજ માટે તેઓ બળવા ભૂવાઓનો સહારો લેતા હોય છે અને તેમની પાસે તેનો રૂઢિગત ઈલાજ કરાવતા હોય છે. એટલે જ ગામડાઓમાં બડવા ભૂવાઓનું મહત્વ વધુ હોવાથી ભૂવાઓ પણ પોતાની સક્ષમતાને સાકાર કરતા હોય છે.
છોટાઉદેપુરનાં હાસડા ગામમાં પેઢીઓથી બાબા ગોળીયાનો મેળો ભરાય છે, જ્યાં લાકડામાંથી એક ચાકડો બનાવી તેના ઉપર બડવાને લટકાવવામાં આવે છે અને આ ચાકડાને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. અહી આશ્ચર્યની વાત એ છે કે, સમગ્ર વિધિની શરૂઆતમાં બડવો બાબાદેવ કાળા ભરીમને મરઘીની બલી આપે છે અને ત્યાર બાદ બડવાને આ ચાકડા સાથે બાંધવામાં આવે છે. તેની પીઠ ઉપર વાંકા સોયા પસાર કરી તેમાં નાળાછડી પરોવી લાકડા સાથે બડવાને ઊંધા મોઢે લટકતો રહે તે રીતે બાંધવામાં આવે છે. સાથે સાથે અન્ય કપડા વડે તેના ગળાના, પેટના અને પગના ભાગે પણ બાંધવામાં આવે છે તો બીજા છેડે બીજો બડવો લટકે છે.
ગામમાં હજી પણ અંધશ્રદ્ધા છે. કહેવાય છે કે જો બડવો સાચો હોય તો તેને લોહી નીકળતું નથી અને જો બડવામાં ખામી હોય તો તેને નુકશાન થાય છે. દરેક બડવાઓએ સતત પાંચ વર્ષ સુધી આ કસોટી પાર કરવી પડે છે. ત્યારે આ કસોટી પાર કરનાર બડવા પાસે સમગ્ર વર્ષ દરમિયાન લોકો પોતાની મુશ્કેલીઓ સમસ્યાઓ અને બીમારીનું નિદાન કરાવતા હોય છે.
બડવાની આ પ્રોસેસની જોવા આસપાસનાં ગામડાઓમાંથી હજારોની જનમેદની ઉમટી પડે છે. તો હોળીના બીજા દિવસે અનેક ઠેકાણે ચૂલનાં મેલા ભરાય છે. જેમાં પોતાની માનતા પૂરી થતા હોળીના સળગતા અંગારા ઉપર ચાલે છે. કવાંટ તાલુકાના રુમડીયા ગામે ગોળફેર્યુંનો મેળો ભરાય છે, જેમાં ગામમાં કોઈ કુદરતી આફત ના આવે અને ગામની સુખાકારી જળવાઈ રહે તે માટે ગામના જ ત્રણ જુદી જુદી જાતિના લોકો દ્વારા પણ આ પ્રક્રિયા કરવામાં આવે છે. જેને ગોળ ફેર્યું કહેવામાં આવે છે. તો આદિવાસી લોકો હોળીને રંગો ઉછાળી ને નહિ, પરંતુ રંગબેરંગી પોષાકમાં પારંપરિક ઘરેણાનાં શ્રૃંગાર સાથે સજ્જ થઈ મેળામાં પોતાનું લોકનૃત્ય માણે છે.
છોટાઉદેપુર પંથકમાં વસતા આદિવાસીઓએ આજે પણ પોતાની રૂઢિગત પરંપરાઓ અને સંસ્કૃતિને જાળવી અને ટકાવી રાખી છે.