એક કાંકરે બે પક્ષી મારતા બનાસકાંઠાના ખેડૂતો, ‘ઝટકા’ જુગાડથી ખેતીને ભૂંડના ત્રાસથી બચાવી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામ પંથકમાં પહેલેથી જ પાણીના તળ ઊંડા જતા સિંચાઇની મોટી સમસ્યા ઉભી થઇ છે તેવામાં ખેડૂત મોંઘા બિયારણ અને મોંઘા ખાતરો લાવી મોંઘી ખેડાઈ આપી પોતાના ખેતરોમાં વિવિધ પાકોનું વાવેતર કરે છે. તેવામાં વડગામ અને પાલનપુરના ધાણધાર પંથકના ગામડાઓમાં ભૂંડોનો ભારે ત્રાસ હોવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ભૂંડોના ઝુંડ ખેતરોમાં ઘુસીને ખેડૂતોના પાકોને ભારે નુકસાન કરી રહ્યા હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
ધાણધાર પંથકમાં મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરોમાં બટાટાનું મોટાપાયે વાવેતર કરી રહ્યા છે અને તેમાં મોટો ખર્ચ કરી રહ્યા છે. પણ ભૂંડોના ઝુંડ તેમના પાકોને ભારે નુકશાન પહોંચાડી રહ્યા છે. જેથી ભૂંડોના ત્રાસના કારણે ખેડૂતોને રાતના ભૂંડો પોતાના ખેતરોમાં ન ઘૂસે તે માટે ઉજાગરા કરવા પડે છે અને ભૂંડોને ભગાડવા મજૂરો પણ રાખવા પડે છે. જેથી તેમનો વધારાનો ખર્ચ વધી રહ્યો છે.
જોકે ઘણીવાર ભૂંડો ખેડૂતો ઉપર હુમલો કરતા હોવાથી ખેડુતો ભયભીત બન્યા છે. જેથી પોતાના પાકનું રક્ષણ કરવા માટે હવે ખેડૂતો પોતાના ખેતરોમાં ઝટકા મશીન લગાવી રહ્યા છે. આ ઝટકા મશીનના કારણે ભૂંડો ખેતરમાં ઘૂસવાની કોશિશ કરતા જ તેમને તારનો સામાન્ય ઝાટકો લાગે છે. જેના કારણે તેવો ખેતરમાં ઘૂસતા નથી. જોકે આ ઝટકા મશીનમાં ફક્ત 12 વોલ્ટ જ હોવાથી તે પશુઓ કે માનવીને કોઈ જ નુકશાન કરતું નથી. પરંતુ ખેડૂતોના પાકને ભૂંડોથી રક્ષણ આપે છે અને ઝટકા મશીનનો ખર્ચ પણ 5 હાજર રૂપિયાની આસપાસ આવતો હોવાથી ખેડૂતોને મોટો ખર્ચ થતો નથી અને ખેડૂતોને ઉજાગરા કરવા પડતા નથી કે તેમના પાકને ભૂંડો નુકશાન કરતા નથી જેથી ખેડૂતો આ ઝટકા મશીનને પોતાના માટે આશીર્વાદ રૂપી ગણી રહ્યા છે.
ખેડૂત વિરસંગભાઈ ચૌધરીએ આ અંગે જણાવ્યું કે, અમારે ભૂંડોનો બહુ ત્રાસ છે અમારા પાકને મોટું નુકસાન કરે છે જેથી મેં કંટાળીને મારા ખેતરમાં ઝટકા મશીન લગાવ્યું છે. તો અન્ય એક ખેડૂત આનંદભાઈ ધૂળિયાએ કહ્યું કે, ભૂંડોના કારણે અમને મોટું નુકસાન થતું હતું ઝટકા મશીન લગાવાથી હવે ભૂંડ આવતા નથી. ખેડૂત મેઘરાજભાઈ ચૌધરીએ કહ્યું કે, આ પંથકમાં ભૂંડોના કારણે ખેડૂતો પરેશાન છે બધાજ ખેડૂતો ભૂંડોના કારણે ત્રાહિમામ છે ઝટકા મશીન આશીર્વાદ છે.