ભાડેથી મકાન આપનારા માલિકો સાવધાન, આ શહેરમાં 52 મકાન માલિકો પર થઈ ફરિયાદ
ગુરુગ્રામ પોલીસના પ્રવક્તાએ બુધવારે આ વિશે માહિતી આપતા કહ્યું કે સ્વતંત્રતા દિવસની સુરક્ષા કવાયતના ભાગ રૂપે, પોલીસ સ્ટેશનની એક ટીમ હોટલ, ગેસ્ટ હાઉસ અને વિવિધ રહેણાંક સોસાયટીઓની તપાસ કરી રહી હતી. આ જ કવાયત દરમિયાન પોલીસ ટીમે સેન્ટ્રલ પાર્ક સોસાયટીના રિસેપ્શનમાં હાજર વ્યક્તિને ફ્લેટમાં રહેતા લોકોના રેકોર્ડ વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે 52 ફ્લેટમાં વિદેશી નાગરિકો પોલીસને જાણ કર્યા વિના અને સી ફોર્મ ભર્યા વિના રહેતા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેઓ વિદેશીઓને આવાસ પ્રદાન કરે છે તેઓએ વિદેશી નાગરિકના તેમના પરિસરમાં આગમનના 24 કલાકની અંદર નોંધણી અધિકારીઓને ફોર્મ Cમાં વિદેશી નાગરિકની વિગતો સબમિટ કરવી જરૂરી છે. આ નોંધણી અધિકારીઓને વિદેશીઓને શોધી કાઢવા અને ટ્રેક કરવામાં મદદ કરે છે.
પોલીસ પ્રવક્તા સંદીપ કુમારે કહ્યું, 'ગુરુગ્રામ પોલીસ દરેકને જાણ કરે છે કે જ્યારે પણ કોઈ વિદેશી નાગરિક તેમના હોટલ, ઘર, ગેસ્ટ હાઉસ, ફ્લેટમાં રોકાય છે, ત્યારે તેણે પોલીસને જાણ કરવી જોઈએ અને ફોરેન નેશનલ એક્ટની કલમ 7નું પાલન કરવું જોઈએ.
સંદીપ કુમારે વધુમાં કહ્યું કે, 'વિદેશી નાગરિક અધિનિયમની કલમ 14 હેઠળ, (ભંગ કરનારાઓ માટે) પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. કોઈપણ વ્યક્તિ FRRO વેબસાઈટ indianfrro.gov.in પર નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરીને બ્યુરો ઓફ ઈમિગ્રેશનના ઓનલાઈન પોર્ટલ દ્વારા સી ફોર્મ ભરી શકે છે.