કમોસમી વરસાદ ગુજરાતના આ 9 જિલ્લાના છોતરા કાઢી નાંખશે! એક જિલ્લાને તો પત્ર લખીને સાવધાન કર્યો
ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1 થી 3 માર્ચ રાજ્યમાં વરસાદ આવી શકે છે. હાલ ઈરાન-ઈરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાશે. જેના કારણે હળવો વરસાદ આવી શકે છે. રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે. હવામાન વિભાગે 1 અને 2 માર્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ અથવા ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાશે.
બનાસકાંઠા જિલ્લામાં 1 અને 2 માર્ચે માવઠાની આગાહી કરાઈ છે ત્યારે ડિઝાસ્ટર મામલતદારે જિલ્લાના તમામ માર્કેટયાર્ડને સાવચેત રહેવા માટે પત્ર લખીને સૂચના આપી છે. માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલી અનાજની બોરીઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી છે. બટાટા તેમજ રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો ચિંતાામાં છે. કેમ કે માવઠું થશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે.
માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યું છે. જો કે, રાજ્યમાં સરેરાશ તાપમાન વધ્યું છે ખાસ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. વાદળિયા વાતાવરણના કારણે ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. જો કે, આવતા દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર માટે લોકોએ તૈયાર રહેવું પડશે.
ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ
આગામી પહેલી અને બીજી માર્ચે કમોસમી વરસાદ રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસવાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલમાં ખેડૂતો પોતાની જણસને ઉતારીને બજારમાં વેચવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન હવે કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે.
ખેતીવાડી અધિકારી, જિલ્લા રજિસ્ટ્રાર, નાયબ નિયામક બાગાયત અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને આ અંગે એક પત્ર લખીને જાણ કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગે ઈ-મેઇલ દ્વારા પત્રથી જાણ કરાઈ છે, કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં પડેલ ખેત પેદાશ, અનાજની બોરીઓ સહિતને વરસાદથી પલળીને ખરાબ ના થાય એ માટે સાવચેતી રાખવા માટે જાણ કરવામાં આવી છે.