ગોહિલવાડમાં ભરઉનાળે દિવાળી આવી... PM મોદીના એક હુંકારથી ભાવનગરવાસીઓ શહેરનો 300 મો જન્મદિન ધામધૂમથી ઉજવશે

Sat, 30 Apr 2022-11:54 am,

આગામી 2 મે, 2022 થી ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગર કાર્નિવલ 22 નું આયોજન થવા જઈ રહ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ભાવનગરના 300 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં પ્રખ્યાત કલાકારો સાંઈરામ દવે, પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાંત્વની ત્રિવેદી, જીગરદાન ગઢવી દેવ પગલી અને પ્રખ્યાત કવિ અંકિત ત્રિવેદી સહિતના કલાકારો દ્વારા સંગીતના કાર્યક્રમો અને રાજ્યની પ્રખ્યાત કલા સંસ્થાઓ દ્વારા લોકનૃત્ય અને સંગીત સહિતના રંગદર્શી કાર્યક્રમો યોજાશે.

ભાવનગરના લાડીલા ધારાસભ્ય અને શિક્ષણમંત્રી  જીતુ વાઘાણીના સૂચન અનુસાર આ વર્ષે આ ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ આઝાદીના અમૃતમહોત્સવના ઉમંગ સાથે ઉજવવામાં આવશે. વિશેષરૂપે 750 તિરંગાઓ સાથેની પદયાત્રા, વોલ પેઇન્ટિંગ, રંગોલી સ્પર્ધા, મહાઆરતી સહિતના કાર્યક્રમો પણ આ જન્મોત્સવ અને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાશે. ઉલ્લેખનીય છે કે ભાવનગરનો રાજવી પરિવાર આ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થતો આવ્યો છે.

અખાત્રીજના શુભ દિવસે ઈ. સ. 1723 માં, સૂર્યવંશી ગોહિલ મહારાજા ભાવસિંહજી (પહેલા) રતનજીની અમીદૃષ્ટિ ખંભાતના અખાત પાસે આવેલી 'વડવા ગામ' ની ધારા પર પડી અને જન્મ થયો 'ભાવ' સિંહજી ના ભાવનગર નો. ગોહિલવાડની નવી રાજધાની અને સિંહોરથી 20 કિલોમીટર દૂર ભાવનગર બની. દરિયાઇ વેપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને લીધે ભાવનગર ગોહિલવાડનો તેજસ્વી તારલો બની ગયું. લોખંડી પુરુષ સરદાર પટેલ જ્યારે દેશના વિવિધ રજવાડાઓ પાસે આઝાદી સમયે ભારત સરકારમાં ભળવાની વાત લઈને ગયા ત્યારે, પ્રજાવાત્સલ્ય મહારાજા રાઓલ કૃષ્ણકુમારસિંહજીએ એ જ ક્ષણે ભાવનગર સ્ટેટને અખંડ ભારતના ભાગ તરીકે સુપરત કરી આપ્યો અને ભારતના ઈતિહાસમાં ભાવનગરનું નામ સોનેરી અક્ષરે લખાયું. જેને યાદ કરીને આજે પણ દરેક ભાવનગરવાસી ગર્વથી ગદગદિત થઈ જાય છે.

આ વાત મોટાભાગના લોકો જાણતા હશે, પણ શું તમને એ ખબર છે કે 19 મી સદીના અંત ભાગ સુધીમાં ભાવનગર સ્ટેટ વિશાળ અને સમૃદ્ધ બનવાની સાથે આત્મનિર્ભર પણ બની ગયું હતું. દૂરંદેશી રાજા અને બાહોશ પદાધિકારીઓની મહેનતથી ભાવનગર સ્ટેટ રેલ્વે પણ અસ્તિત્વમાં આવ્યું અને એની સાથે જ બીજા સ્ટેટની અથવા બ્રિટિશરની મદદ વગર પોતાની સંપૂર્ણ રેલ્વ સિસ્ટમ ઉભી કરી હતી. મહારાજા ભાવસિંહજી પહેલાએ સ્થાપેલા ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે. ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો ગૌરીશંકર ઓઝા, સર પ્રભાશંકર પટ્ટણી (જેમને બ્રિટિશ સરકારે સર - Knight Hood ની પદવી આપી હતી), શામળદાસ મહેતા પ્રજાવત્સલ હતા.  

કોઈ રાજા પોતાના દિવાનની યાદમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપિત કરે એવું ભાગ્યે જ સાંભળવા મળે, પણ ભાવનગરની શામળદાસ કોલેજ જેને 1885 માં મહારાજા તખ્તસિંહજીએ પ્રજાને અર્પણ કરી, એને પોતાના દિવાન શામળદાસ મહેતાનું નામ આપ્યું. પ્રજા માટે બાગ બગીચા, જળ સંચય માટે મોટા તળાવ, દરિયાઈ વ્યાપાર માટે બંદર અને ખાડીના પાણીના સંચય માટે લૉકગેટ જેવી અનેકવિધ દૂરંદેશી સુવિધાઓ ભાવનગરમાં જોવા મળતી. બદલતા સમયની સાથે ભાવનગરના વ્યવસાય અને શિક્ષણમાં પરિવર્તન આવ્યું અને અલંગ શીપ બ્રેકીંગ, હીરા ઉદ્યોગ, રોલીંગ મિલ, મીઠા ઉદ્યોગ, ટેક્સટાઇલમાં વપરાતા બોબીન અને શટલના કારખાનાની સાથે સાથે કેમિકલ, પ્લાસ્ટિક ઉદ્યોગ પણ વિકસતા ગયા.  

ભોજન અને ફરસાણની બાબતે પણ ભાવનગર એક અલગ ઓળખ ધરાવે છે. કાઠિયાવાડી સ્વાદની સાથે સાથે, અહીંના ભાવનગરી ગાંઠીયા, ભૂંગળા બટેટા, ચણા બટેટી, પાવ ગાંઠીયા, દાળ પકવાન, બરફના ગોળા અને પ્યાલી લોકોના મોઢાં પાણી લાવે છે.

ભાવનગર 299 વર્ષ પૂર્ણ કરી 300માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ ઉજવણી વિશેષ બની છે અને આ સમગ્ર વર્ષ કલા અને સંસ્કાર નગરી તરીકે સુખ્યાત ભાવનગર 'વિકાસશીલ ગતિશીલ ભાવનગર' બને તે દિશામાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link