જલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથી

Thu, 13 Jun 2024-9:28 am,

ભાવનગર જિલ્લાના મહુવામાં છેલ્લા 11 વર્ષથી ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ ટ્રસ્ટ દ્વારા "ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી" ની અકલ્પનીય પ્રવૃતિ કરવામાં આવે છે. સવારે 6 વાગે ભૂખ્યાને ભોજનનું સેવા કાર્ય શરૂ થાય છે. જે સાંજે 8 વાગે બંધ થાય ત્યાં સુધીમાં અંદાજે 1000 થી વધુ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ભોજન પહોચાડવામાં આવે છે. મહુવાના પારેખ કોલેજ રોડ ઉપર આવેલ કંસારા જ્ઞાતિની વાડીમાં ચાલતા આ ‘ભૂખ્યા નાં ભોજન’ ના રસોડામાં શુદ્ધ, સાત્વિક અને ભાવ સાથે રસોઈ બનાવવામાં આવે છે. જશવંતરાય ધોળકિયા નામના સેવાર્થી સંસ્થાના વાહન દ્વારા આખાયે મહુવા ગામમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન પહોંચાડી લોકોની આંતરડી ઠારવા નું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

ભૂખ્યાને ભોજન આપવું એ મહાદાન કહેવાય છે. ભૂખથી ટળવળતા વ્યક્તિ કે પ્રાણી પંખીને ભોજન કરાવનાર ના અંતરમાં કદાચ થોડો સંતોષ કે દાનપુણ્ય કર્યાનો આનંદ થતો હશે, પરંતુ ભોજન પ્રાપ્ત કરનારની આંતરડી ઠરતા એના અંતર માથી ઉઠતો ઈશ્વરિય ઉદ્‌ગાર ભોજન આપનારને જીવનભર ન્યાલ કરી દે છે. તરસ્યાને જળપાન કરાવા માટે ધનપતિઓ ઠેક ઠેકાણે પરબો બંધાવે છે. વ્યક્તિના આપતકાળ સમયે કંઠે પ્રાણ આવ્યા હોય ત્યારે તરસ્યા માણસને કોઈ એક ગલાસ પાણી પાય તો તેનો ઉપકાર પાણી પિનાર કયારેય ભૂલી શકતો નથી, એના ચહેરા પરની ખુશી ખરેખર અંતરથી આશીર્વાદ આપતી હોય છે. ત્યારે આવું જ એક મહાકાર્ય ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલાં કરમદિયા ગામના સેવાર્થી જશવંત ધોળકિયા કરી રહ્યા છે. નાનપણથી લોકોની સેવામાં પ્રવૃત્ત રહેતા જશવંત ધોળકિયા આજે મહુવામાં ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ ટ્રસ્ટ દ્વારા 1000 થી વધુ લોકોના પેટની આંતરડી ઠારવાનું ભગીરથ કાર્ય કરી ભવભવનું ભાથું બાંધી રહ્યા છે.

જસવંત ધોળકિયા મૂળ બગદાણા નજીકના કરમદિયા ગામના વતની છે. બગદાણામાં ચાલતી સેવા પ્રવૃત્તિ સાથે નાનપણથી જ જોડાયેલા રહ્યા છે. કોઈ વ્યક્તિ ને ભૂખ્યો જોઈ તેમનું મન કકળી ઉઠતું અને ત્યારથી તેમણે લોકોની, પ્રાણીપંખીઓની સેવા કરવા મન માનવી લીધું હતું, લગ્નબાદ મહુવામાં રહેણાંક બનાવી તેઓ આજુબાજુના 8 થી 10 જરૂરિયાતમંદ લોકોને પોતાના ઘરે રસોઈ બનાવી ભાવથી જમાડતા હતા, તેઓની આ સેવા ના કારણે દિન પ્રતિદિન લોકોની સંખ્યા વધતી રહી, જરૂરિયાતમંદ લોકોની સંખ્યામાં વધારો થતાં તેમણે મહુવાના પારેખ કોલેજ રોડ પર આવેલ કંસારા જ્ઞાતિની વાડી ભાડે રાખી મોટા રસોડાનો પ્રારંભ કર્યો, અને તેમની આ સેવાને વધુ વેગ આપવા દાતાઓ દ્વારા દાનની સરવાણી પણ અવિરત શરૂ થઈ ગઈ. જેના કારણે આજે 1000 હજાર થી વધુ લોકો સંસ્થાના રસોડે શુદ્ધ, સાત્વિક અને આદરભાવથી બનતી સ્વાદિષ્ટ રસોઈ આરોગી આંતરડી ઠારી રહ્યા છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું આ સંસ્થા એક પણ દિવસ બંધ રહ્યા વગર જશવંત ધોળકિયા અવિરત 365 દિવસ સેવાનો સમિયાણો ચલાવી રહ્યા છે.

હાલ જસવંત ધોળકિયાનો પરિવાર રાજકોટ સ્થાયી થયો છે. પરંતુ સેવાકાર્ય ને અવિરત ચાલુ રાખવા તેઓ મહુવામાં જ સ્થિર થઈ ગયા છે. આ સંસ્થા તેમનું ઘર અને કાર્યક્ષેત્ર બંને છે. જ્યાં સવારે છ વાગતા જ તેમના સેવા કાર્યની શરૂઆત થઈ જાય છે. દેશભરમાં અનેક સંસ્થાઓ અનેક પ્રકારનું સેવાકાર્ય કરી રહી છે. પરંતુ આ સંસ્થામાં જુદા જુદા પ્રકારના અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે. માનવી ની સાથે પશુપંખીઓ નું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. સવારે 6 થી 8 સુધી પંખીઓ માટે ચણ તેમજ ગાય અને કૂતરા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. બે કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં ફરી પશુપંખીઓ માટે કાળજી લેવામાં આવે છે. જશવંત ધોળકિયા આ સેવાકાર્ય જાતે જ કરે છે. અને ત્યાર બાદ 8 વાગતા રસોડાનો પ્રારંભ થાય છે. જ્યાં દાતાઓના સહયોગથી મળેલા આધુનિક રોટલી બનાવવાના મશીનમાં એક હજાર લોકો માટે રોટલી બનાવવામાં આવે છે. અહી બનતી તમામ રસોઈ શુદ્ધ સીંગતેલ માથી બનાવવામાં આવે છે. રસોઈમાં પૂરું ભાણું જેમાં રોટલી, શાક, દાળભાત અને છાશ નો સમાવેશ થાય છે. પરિવારને જમાડવાના હોય એ રીતે રોટલી પર શુદ્ધ ઘી લગાવવામાં આવે છે. બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ રસોઈ તૈયાર થઈ ગયા બાદ એજ રસોઈનો પ્રથમ ભગવાનને થાળ ધરવામાં આવે છે. અને ત્યાર બાદ સંસ્થાના વાહનો દ્વારા શહેરના સરકારી દવાખાને, સ્લમ વિસ્તાર તેમજ જરૂરિયાતમંદ સુધી પહોંચવામાં આવે છે. સાથે 35 થી 40 નિરાધાર વડીલ વ્યક્તિઓના ઘરે ઘરે જઈ રિક્ષા દ્વારા સમયસર ભોજન પહોંચાડવામાં આવે છે. સાથો સાથ રસોડા ઉપરથી પણ જરૂરિયાતમંદ લોકોને ટિફિન ભરી આપવામાં આવે છે તેમજ રસોડા ઉપર જમાડવાની વ્યવસ્થા પણ રાખી છે.  

આ સિવાય કોઈના ઘરે બાળકના જન્મ સમયે માતા માટે શુદ્ધ ઘી માથી બનાવેલ સુખડી પહોચાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા મહુવાની આજુબાજુના ગામોમાંથી ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ માટે ટિફિન પહોચાડવામાં આવે છે. વિશેષમાં કોઈના ઘરે મરણ પ્રસંગ બન્યો હોય તો એવા લોકોની જરૂરિયાત મુજબ રસોઈ તૈયાર કરી વિનામૂલ્યે પહોચાડવામાં આવે છે. તેમજ પરિવારનું ગુજરાન ચલાવવામાં અશક્ત હોય તેવા લોકોને એક મહિનો ચાલે એ પ્રકારે રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે.

દરરોજ એક હજારથી વધુ લોકોને પ્રેમથી નિસ્વાર્થભાવે જમાડીને તેઓની આંતરડી ઠારવા ઉપરાંત આ સંસ્થા દ્વારા હરતું ફરતું પાણીનું પરબ ની સેવા પણ શરૂ કરવામાં આવી છે. ઉનાળાની બળબળતી ગરમીમાં લોકોને માટલાનું ટાઢું પાણી મળી રહે તે માટે ખાસ પગાર સાથે સેવાર્થી ની નિમણુક કરાઈ છે. જે ગરમીના સમયે મુખ્ય માર્ગો પર ફરી લોકોની તૃષા સંતોષી રહ્યા છે. સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિ સમયસર ચાલી શકે એ માટે 15 જેટલા ભાઈઓ અને બહેનોના સ્ટાફની પગાર સાથે નિમણુક કરવામાં આવી છે. પરંતુ અહીં સેવા કાર્યમાં જોડાયેલા ભાઈબહેનો પગાર કરતાં પણ વિશેષ નિજાનંદની અનુભૂતિ કરી રહ્યા છે. અહીં પગાર પર સેવા કાર્ય સાથે જોડાયેલા લોકો પણ જરૂરિયાતમંદને ભોજન મળી રહે એ ધ્યાને રાખી એક પણ રજા ભોગવ્યા વગર 365 દિવસ અવિરત કામગીરી કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link