અલૌકિક જડીબુટ્ટીઓની ભંડાર છે આ ગિરિમાળા, લીલીછમ વનરાજી વચ્ચે બિરાજમાન મહાદેવ

Wed, 28 Jul 2021-7:09 pm,

ભાવનગરના ભંડારીયા ગામના ડુંગરો માં આવેલા માળનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં અલૌકિક જડીબુટ્ટીઓ નો ભંડાર છે, અંહી અનેક પ્રકાર ની આયુર્વેદિક ઔષધિઓ જોવા મળે છે, વિકળો, ઠુમરી, અરડૂસી, સતાવરી, અશ્વગંધા જેવી હજારો દુર્લભ આયુર્વેદિક ઔષધિઓ અહીં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

ભંડારીયા ગામની ગિરિમાળા ના ડુંગરો માં ચોમાસા દરમ્યાન લીલીછમ ચાદર પથરાઈ જાય છે, અહીં નું દૃશ્ય ખૂબ મનમોહક બની જાય છે, ચારે તરફ ઊંચા ઊંચા ડુંગરો અને એના પર લીલાછમ વૃક્ષોનો એક અલગ જ નજારો જોવા મળે છે.

સુંદર ગિરિમાળાઓ ડુંગરો ની વચ્ચે આવેલું આ મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે, આશરે 650 વર્ષ પૂર્વે એની સ્થાપના કરવામાં આવી હોવાનું ગામલોકો નું માનવું છે, જોકે 132 વર્ષ પૂર્વે 1887 માં ભાવનગરના તત્કાલીન નેકનામદાર મહારાજા તખ્તસિંહજી ગોહિલ એ મહાદેવ પ્રત્યેની પોતાની આસ્થાને કારણે આ મંદિર નો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

માળનાથ મહાદેવ મંદિર ની આજુબાજુ માં આવેલ સુંદર અને લીલીછમ ગિરિમાળા ના કારણે અહીં ગુજરાતભર માથી હજારો લોકો પરિવાર સાથે ફરવા આવે છે, અહીં ઊંચા ઊંચા પર્વતો પર્વતારોહણ નો શોખ ધરાવતા લોકો માટે પસંદગીનું સ્થળ છે.

ભાવનગર થી તળાજા રોડ પર આશરે 26 કિમી દૂર આવેલું છે માળનાથ મહાદેવનું મંદિર, ત્યાં જવા માટે તમે ભાવનગરથી તળાજા, મહુવા જતી કોઈ પણ બસમાં બેસી ઉખરલા ગામ સુધી જઈ શકો છો અને ત્યાંથી બીજા વાહનમાં બેસી માળનાથ જઈ શકાય છે, બાઈક, કાર, મીની બસ લઈને પણ માળનાથ જઈ શકાય છે. ચાલવાના શોખીન લોકો ઊખરલા ગામથી ચાલતા દર્શને આવતા હોય છે જ્યારે ટ્રેકિંગ ના શોખીન લોકો ભંડારીયા ની ગિરિમાળામાં ડુંગરો ખૂંદીને વીરેશ્વર મહાદેવ થઈ માળનાથ ના દર્શને આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link