Women`s Day 2021: પાકિસ્તાન બોમ્બ વરસાવી રહ્યું હતું ત્યારે વિરાંગના બનીને વાયુસેનાની વહારે મેદાનમાં આવી આ ગુજરાતણો, બની રહી છે ફિલ્મ
જેને ઈન્દિરા ગાંધીએ 'ઝાંસીની રાણીઓ' તરીકે બિરદાવી, ભુજ ફિલ્મથી રૂપેરી પડદે ચમકશે કચ્છની એ વિરાંગનાઓની કહાની. આ મહિલાઓની કહાની વાંચીને તમને તેમને વંદન કરવાનું મન થશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે આપણા જીવનમાં અનન્ય ફાળો આપતી મહિલાઓના પ્રદાનને યાદ કરવાનો અને તેને બિરદાવવાનો દિવસ. ગુજરાતમાં અનેક એવા મહિલા રત્નો થયા છે જેમણે દેશ, રાજ્ય અને સમાજની સેવા કરી છે. આજે યાદ કરીશું એવા જ એક નહીં પરંતુ 300 મહિલા રત્નોને, જેમના અથાગ શૌર્ય અને પરાક્રમે ભારતને પાકિસ્તાન સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મહિલાઓ હતી કચ્છના માધાપર ગામની.
સમય હતો 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધનો. સ્થળ હતું ગુજરાતનો સૌથી મોટો અને સરહદે આવેલો જિલ્લો કચ્છ. ચાલી રહ્યું હતું યુદ્ધ અને ભારત પર આવી ગઈ હતી મોટી મુસીબત. કારણ કે નાપાક પાકિસ્તાને ભારતીય વાયુસેનાને ઉપયોગમાં આવી શકે તેવી એક માત્ર ભુજની એરસ્ટ્રીપ તબાહ કરી નાખી હતી. પાકિસ્તાનનાના ઈરાદા એવા હતા કે, ભારતીય વાયુસેનાનું વિમાન લેન્ડ જ ના કરી શકે. એક સમયે તો સૌ કોઈને લાગ્યું હતું કે પાકિસ્તાનનો આ ઈરાદો સફળ થઈ ગયો. પરંતુ ત્યારે જ થયો એક ચમત્કાર અને સાહસની આ ગાથા ઈતિહાસમાં અમર થઈ ગઈ.
ભૂજના એરબેઝને બોંબવર્ષા થવાના કારણે ખૂબ જ નુકસાન થયું હતું. પરંતુ વાયુસેનાને મદદ કરવા માટે તેને ઑપરેશનલ રાખવો ખૂબ જ જરૂરી પણ હતું. આ સમયે સ્કવૉડ્રન લીડર વિજય કાર્ણિકે રાતોરાત રનવે ઉભો કરવાનો નિર્ણય લીધો. કારણ કે પાકિસ્તાનનો સામનો કરવા માટે રનવે જરૂરી હતો. હવે કામ માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર હતી. લશ્કર પાસે એટલે માણસો નહોતા અને જે લોકો હતા તે યુદ્ધમાં વ્યસ્ત હતા. અને ત્યારે વહારે આવી કચ્છની ખુમારીથી ભરપુર 300 મહિલાઓ. કચ્છના કલેક્ટરે કરી એક હાકલ અને મેદાનમાં આવી ગઈ શસ્ત્ર વિનાની આ વીરાંગનાઓ.
વિરાંગનાઓ સામે હતો મોટો પડકાર. એક તરફ ચાલી રહ્યું હતું યુદ્ધ, સતત હુમલાઓનો ડર અને બીજી તરફ બને એટલી જલ્દી કરવાનું હતું એરસ્ટ્રીપનું નિર્માણ. પરંતુ કચ્છની મહિલાઓ ગાંજી જાય તેમ નહોતી. પડકારનો સામી છાતીએ સામનો કરવાનું નક્કી કર્યું અને રાત-દિવસ સતત 72 કલાક સુધી કામ કરીને એરપોર્ટને વિમાન ઉતરાણ કરી શકે તે માટે તૈયાર કર્યું. યુદ્ધની સાયરનો વાગતી હતી. બોમ્બમારો થઈ રહ્યો હતો પરંતુ મહિલાઓ હિંમત ન હારી અને કામ કરી બતાવ્યું.
1971માં ભારતને જીત મળી અને આ ગાથા અમર થઈ ગઈ. સામાન્ય એવી સ્ત્રીઓએ અસાધારણ પરાક્રમ કરી બતાવ્યું. આ મહિલાઓને પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ઝાંસીની રાણીઓનું બિરૂદ આપ્યું હતું. કચ્છની મહિલાઓના અસાધારણ શૌર્યની ગાથા આજે પણ લોકોને પ્રેરણા આપે છે અને સાબિત કરે છે કે, સ્ત્રી ક્યારેય સાધારણ નથી હોતી. તે ધારે એ કામ કરી શકે છે.
ભુજની વિરાંગનાઓ પર બની રહી છે ફિલ્મ, આ મહિલાઓની કહાની સાંભળીની તમારું પણ લોહી ઉકળી ઉઠશે. આને માત્ર સંયોગ માનવામાં આવે કે વર્ષ 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બનેલી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ને આ વર્ષે 14 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે ઉલ્લેખનિય છે કે, 14 ઓગસ્ટના દિવસે પાકિસ્તાની લોકો પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હશે, ઠીકે તે સમયે જ ભારતના સિનેમાઘરોમાં અજય દેવગણ, સંજય દત્ત જેવા કલાકાર પાકિસ્તાની ફોજને ઘૂંટણીયે બેસાડી દેશે.