Team India: ભુવનેશ્વર કુમારથી લઈને શિખર ધવન સુધી, શું આ 5 દિગ્ગજો માટે બંધ થયા ટીમ ઈન્ડિયાના દરવાજા?
ટેસ્ટ ટીમના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાને બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો છે. પુજારાએ રણજી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે છેલ્લી પાંચ ઈનિંગમાં બે સદી ફટકારી છે. એટલું જ નહીં તે પહેલા અણનમ બેવડી સદી પણ ફટકારી હતી. તેમ છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ પુજારાની ટીમમાં વાપસી થઈ શકી નથી.
અજિંક્ય રહાણે, ટીમ ઈન્ડિયાનો તે બેટર જેણે દરેક ભૂમિકા ભજવી છે. રહાણેની આગેવાનીમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત પણ મેળવી છે. પાછલા વર્ષે આઈપીએલમાં શાનદાર બેટિંગ બાદ રહાણેની વાપસી થઈ અને તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ તેને બહાર કરી દેવામાં આવ્યો છે. રહાણે હવે કોન્ટ્રાક્ટમાં પણ સામેલ નથી. તેવામાં તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે.
બીસીસીઆઈએ સ્ટાર ઓપનર શિખર ધવનને પણ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો છે. ધવનને સતત નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. હવે ટીમ ઈન્ડિયામાં તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે. ધવનને એશિયા કપ અને વિશ્વકપ જેવી ટૂર્નામેન્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો.
બીસીસીઆઈએ જાહેર કરેલા નવા કોન્ટ્રાક્ટમાં ભુવનેશ્વર કુમાર પણ સામેલ નથી. ભુવી છેલ્લા ઘણા સમયથી બહાર છે. હવે ટીમ માટે નવા ફાસ્ટ બોલરો પણ આવી ગયા છે. તેવામાં ભુવનેશ્વર કુમાર માટે વાપસી અસંભવ લાગી રહી છે.
ભુવનેશ્વર સિવાય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ બીસીસીઆઈના પ્લાનમાંથી બહાર છે. ઉમેશ યાદવને પણ આ નવા કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેવામાં તેની ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ લાગી રહી છે.