Biparjoy Cyclone: દ્વારકામાં તબાહીના દ્રશ્યો: ઓખા બંદર પર ભારે તબાહી, જેટી પર ફરી વળ્યા સમુદ્રના પાણી
વાવાઝોડાની અસરને પગલે દ્વારકા જિલ્લામાંથી તબાહી અને ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને ઓખાના ડાલ્ડા બંદર પરથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ઓખાના ડાલ્ડા ફિશરીઝ બંદરની જેટીઓ ઉપર સમુદ્રનાં પાણી ફરી વળ્યા હતા.
ખંભાળિયામાં તીવ્ર ગતિએ પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 3 દિવસથી ભારે પવનના કારણે શહેરમાં 26 જેટલા વૃક્ષો પડ્યા જ્યારે જિલ્લામાં 71 જેટલા વૃક્ષો ધરાશાયી છે.
પવનની ગતિ વધુ હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ પોલને ભારે નુકશાન પહોંચ્યું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 427 વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે.
તંત્ર દ્વારા વેપારીઓને દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. જેને પગલે આજે તમામ દુકાનદારોએ ધંધા રોજગાર બંધ રાખીને સહયોગ આપ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર જિલ્લાનું સતત મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.
દ્વારકા ઓખાના ડાલ્ડા બંદર પર ભારે તબાહી જોવા મળી છે. ઓખાના ડાલ્ડા ફીશરીઝ બંદરની જેટીઓ ઉપર સમુદ્રનાં પાણી ફરી વળ્યા છે. ઓખા બંદર ખાતે ભારે પવનના કારણે હોળીઓમાં પણ ભંગાણ પડ્યા હતા.