BJP નો સ્થાપના દિવસ: જાણો નરેન્દ્ર મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય
નરેન્દ્ર મોદી બાળપણથી જ RSS સાથે જોડાયેલા હતા. 1958માં દિવાળીના દિવસે ગુજરાત RSSના પહેલા પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદાર ઉર્ફે વકીલ સાહેબે નરેન્દ્ર મોદીને બાળ સ્વયંસેવકના શપથ અપાવ્યા હતા. ત્યારબાદ મોદી RSSના શાખાઓમાં જવા લાગ્યા. નરેન્દ્ર મોદી મહેનતુ કાર્યકર્તા હતા. RSSની મોટી શિબિરોના આયોજનમાં તે પોતાના મેનેજમેન્ટની કમાલ પણ બતાવતા હતા.
RSSના નેતાઓને ટ્રેન અને બસમાં રિઝર્વેશનની જવાબદારી તેમની પાસે રહેતી હતી. એટલું જ નહીં ગુજરાતના હેડગેવાર ભવનમાં આવનારી દરેક ચિઠ્ઠીને ખોલવાનું કામ પણ નરેન્દ્ર મોદીએ જ કરવાનું રહેતું. નરેન્દ્ર મોદીના મેનેજમેન્ટ અને તેમના કામ કરવાના પ્રકારને જોયા પછી RSSમાં તેમને મોટી જવાબદારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેના માટે તેમને રાષ્ટ્રીય કાર્યાલય નાગપુરમાં એક મહિનાના વિશેષ ટ્રેનિંગ કેમ્પમાં મોકલવામાં આવ્યા.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડલને દેશ અને દુનિયા સામે એ રીતે પ્રસ્તુત કર્યું કે ત્યાર બાદ મોદીની છબિ રાજનીતિના આકાશમાં સૌથી ઉંચે અંકિત થઈ ગઈ. મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એક કૂશળ રાજનેતા અને વહીવટ કર્તા તેમજ કડક છબિ ધરાવતા નેતા તરીકે લોકોમાં પ્રસ્થાપિત થઈને ખુબ જ નામના મેળવી.
1990ના દાયકામાં નરેન્દ્ર મોદીએ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથ યાત્રામાં મોટી ભૂમિકા ભજવી હતી.
તેના પછી તેમને બીજેપી અધ્યક્ષ મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંયોજક બનાવવામાં આવ્યા. આ યાત્રા દક્ષિણમાં તમિલનાડુથી શરૂ થઈને શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવીને પૂરી કરવાની હતી.
2001માં જયારે ગુજરાતમાં ભૂકંપ આવવાથી 20,000 લોકોના મૃત્યુ થયા અને રાજ્યમાં રાજકીય સત્તામાં પરિવર્તન થયું. દબાણના કારણે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પોતાનું પદ છોડ્યું અને નરેન્દ્ર મોદીને રાજ્યની કમાન સોંપવામાં આવી. જેના પછી તેમણે ગુજરાતમાં ભાજપના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું.
મુખ્યમંત્રીની જવાબદારીની સાથે સાથે નરેન્દ્ર મોદીએ પોતાને રાજકીય સંગઠન મજબૂત કરવા અને રાજ્યના વિકાસના કામ શરૂ કર્યા.
ગુજરાતમાં તે 2002, 2007, 2012માં વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત મેળવીને ભાજપનો પરચમ દેશ અને દુનિયામાં લહેરાવ્યો. 2012 સુધીમાં તેમનું કદ એટલું મોટું થઈ ગયું કે તેમને પાર્ટીના પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે જોવામાં આવવા લાગ્યા.
2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક જીત મેળવતાં 282 બેઠકો જીતીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી. ત્યારબાદ પાર્ટીને દેશના 20થી વધારે રાજ્યમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના પહેલાં કાર્યકાળના પાંચ વર્ષ સફળતાપૂર્વક પસાર કર્યા પછી ફરી એકવાર 2019ની લોકસભાની ચૂંટણી આવી. જેમાં પણ પાર્ટીએ 2014 કરતાં પણ મોટી જીત મેળવતાં 303 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો.
નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યાર બાદ બબ્બે વાર ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી જે રીતે તેમણે ભાજપને સફળતા અપાવી છે. તેના કારણે હવે ભાજપ અને નરેન્દ્ર મોદી એકબીજાના પૂરક બની ગયા છે.