PHOTOS: BJP સાંસદની પુત્રવધુએ પતિ અને સસરા પર લગાવ્યાં ગંભીર આરોપ, જાણો શું છે મામલો
અત્રે જણાવવાનું કે મડિયાંવ પોલીસ સ્ટેશન હદમાં 3 માર્ચના રોજ સવારે લગભગ 2.30 વાગે ભાજપ સાંસદ કૌશલ કિશોરના પુત્ર આયુષ પર ફાયરિંગ થયું હતું. સાંસદના પુત્ર પર ફાયરિંગની સૂચના મળતા જ પોલીસ બેડામાં અફરાતફરી મચી ગઈ. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમના ટોચના અધિકારીઓએ આયુષને મેડિકલ કોલેજના ટ્રોમા સેન્ટરે પહોંચાડ્યા. ત્યારબાદ આયુષનો સાળો આદર્શ પોલીસની પકડમાં આવ્યો જેણે દાવો કર્યો કે આયુષે જ તેના પર ફાયરિંગ કરવાનું કહ્યું હતું.
અંકિતાએ જણાવ્યું કે ઘટના બાદ આયુષનો તેની પાસે ફોન આવ્યો હતો. આયુષે તેના ભાઈને ફસાવીને તેને બચાવવાનું દબાણ કર્યું હતું અને આમ નહીં કરવા પર તેને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આયુષે પણ એક વીડિયો બહાર પાડ્યો હતો. આયુષની પત્નીનો આરોપ છે કે આયુષ ઘરવાળાના દબાણમાં તેને છોડી રહ્યો છે. આયુષ અને તેના ભાઈ આદર્શમાં ગાઢ મિત્રતા છે. જેના કારણે આયુષ પર ફાયરિંગ કરવામાં તેણે સાથ આપ્યો હતો. આયુષની પત્નીએ જણાવ્યું કે તેમના લગ્ન સામાન્ય નહતા. લગ્ન માટે આયુષના ઘરવાળા રાજી નહતા. પત્નીનો આરોપ છે કે આયુષ મારપીટ પણ કરતો હતો.
આ બાજુ સાંસદ કૌશલ કિશોરના ફરાર પુત્ર આયુષે વીડિયો બહાર પાડીને પોતાનો પક્ષ રજુ કર્યો છે. તેણે કહ્યું કે તે લખનઉ આવી રહ્યો છે અને તે સરન્ડર કરવા માટે તૈયાર છે. તેણે કોઈ ખોટું કામ કર્યું નથી. તેને પોતાની જાત પર ફાયરિંગ કરાવ્યું નથી. આ દરમિયાન તેણે પત્ની પર હની ટ્રેપનો પણ આરોપ લગાવ્યો છે. તેની પત્ની પર આરોપ લગાવતા કહ્યું કે તે સારા ઘરના છોકરાઓને ફસાવે છે.
આ બાજુ સમગ્ર મામલે સાંસદ કૌશલ કિશોરનું કહેવું છે કે આયુષે આ છોકરી સાથે તેની મરજીથી 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા. અમારો આયુષ પર દબાણ કરવાનો કોઈ અર્થ નથી. જો દબાણ કરવું જ હોત તો પહેલા કરત. અત્રે જણાવવાનું કે લગ્ન બાદ આયુષ પોતાના પરિવારથી અલગ રહેતો હતો. હાલ આ મામલે પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.